News of Thursday, 5th February 2026
સિંગાપુરમાં કબૂતરોને ખવડાવવું ભારે પડયુઃ કોર્ટે ફટકાર્યો દંડ
સિંગાપુરની કોર્ટે ૭૧ વર્ષીય ભારતીય મૂળની મહિલાને મંજૂરી વિના કબૂતરોને ખવડાવવા માટે ૩,૨૦૦ સિંગાપુર ડોલરનો દંડ ફટકાર્યો : રોગો ફેલાવો, મિલકતને નુકસાન અને જાહેર સ્વચ્છતાનો ભંગ થતો હોવાના કારણે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે

સિંગાપુર તા.૫: સિંગાપુરની કોર્ટે ૭૧ વર્ષીય ભારતીય મૂળની મહિલાને મંજૂરી વિના કબૂતરોને ખવડાવવા માટે ૩,૨૦૦ સિગાપુર ડોલરનો દંડ ફટકાર્યો છે. આ ઘટના શહેરના સૌથી જૂના હાઉસિગ એસ્ટેટ તોવા પેઓહમાં બુધવારે બની હતી. આરોપ એવો છે કે, આ મહિલાએ છેલ્લા છ મહિનામાં ૯ વખત કબૂતરોને અનાજ કે બ્રેડ ખવડાવી હતી, જેના કારણે કોર્ટે તેને દંડ ફટકાર્યો છે.
વિગતે વાત કરવામાં આવે તો, ભારતીય મૂળની મહિલા સનમુગ્નાથન શામલા જે સિંગાપુરની નાગરિક છે અને તોવા પેઓહના બ્લોક ૬૨બી, લોરોંગ ૪માં રહે છે, તેમણે વાઇલ્ડલાઇફ એક્ટ હેઠળ ચાર આરોપોમાં દોષ સ્વીકાર્યો છે. પાંચ અન્ય આરોપોને પણ કોર્ટમાં ધ્યાનમાં લેવામાં આવ્યા હતા. નેશનલ પાર્ક્સ બોર્ડના અભિયોગીએ કહ્યું કે શામલા જાણીજોઈને કાયદો તોડ્યો છે. એટલું જ નહીં પરંતુ આ પહેલા પણ આ ગુના માટે તેને દંડ થયેલો છે, તેમ છતાં ફરી તે જ અપરાધ કર્યો છે.
મીડિયા અહેવાલ પ્રમાણે મે ૨૦૨૫માં શામલા પર તોવા પેઓહમાં તેમના અપાર્ટમેન્ટ પાસે જંગલી પક્ષીઓને ખવડાવવા અને NParksના કબૂતર પકડવાના અભિયાનમાં અડચણ ઊભી કરવા માટે ૧,૨૦૦ સિગાપુર ડોલરનો દંડ ફટકારવામાં આવ્યો હતો. તે સમયે શામલાએ કોર્ટને બાહેધરી આપી હતી કે, તે ફરીથી આવું નહીં કરે. પરંતુ બાહેધરી આપ્યાના માત્ર એક જ મહિનામાં તેણે ફરી જ એ ગુનો કર્યો છે. તેના માટે કોર્ટે તેને ૩,૨૦૦ સિગાપુર ડોલરનો દંડ ફટકાર્યો છે.
કારણની વાત કરવામાં આવે તો, કબૂતરોની અનિયંત્રિત વસ્તીના કારણે સિગાપુરમાં કબૂતરોને ખવડાવવું પ્રતિબંધિત છે. એટલું જ નહીં પરંતુ અનિયંત્રિત પક્ષીઓના કારણે રોગો ફેલાવો, મિલકતને નુકસાન થાય અને જાહેર સ્વચ્છતાનો ભંગ થતો હોવાના કારણે આ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે, ફર્ભ્ીશ્વત્ત્ત આવા કેસોમાં કડક કાર્યવાહી કરીને શહેરી વાતાવરણ અને વન્યજીવો વચ્ચે સંતુલન જાળવે છે.
(10:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
