<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th February 2026

ઓએમજી.....તાજેતરમાં આવેલ આ નવી ગેમે ત્રણ બહેનોનો જીવ લીધો

ત્રણેય બહેનો કોરિયન લવર નામની ગેમ રમતી હતી: આ ગેમનો અંતિમ કાર્ય આત્મહત્યા કરવાનું હોવાનું કહેવાય છે. ગેમના કારણે ત્રણ બહેનોએ જીવ ગુમાવ્યો હોવાથી લોકોને ખૂબ જ શોક લાગ્યો છે

નવી દિલ્હી: ગાઝિયાબાદમાં 2026ની 4 ફેબ્રુઆરીએ ખૂબ જ દુઃખદ ઘટના બની હતી. ત્રણ ટીનએજ બહેનો નિશિકા (16), પ્રાચી (14) અને પાક્હી (12) દ્વારા ભારત સિટી એપાર્ટમેન્ટના નવમી માળ પરથી કૂદીને સુસાઇડ કર્યું હતું. આ ઘટના રાત્રે લગભગ 2 વાગ્યે બની હતી અને દેશ આઘાત તથા શોકમાં છે. આ પાછળનું કારણ આ ત્રણેય બહેનો “કોરિયન લવર” નામની ઑનલાઇન ગેમ રમતી હતી. આ ગેમનો અંતિમ કાર્ય આત્મહત્યા કરવાનું હોવાનું કહેવાય છે. ગેમના કારણે ત્રણ બહેનોએ જીવ ગુમાવ્યો હોવાથી લોકોને ખૂબ જ શોક લાગ્યો છે. આ બહેનોને તરત જ લોની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, પરંતુ તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. તેમના ઘરમાંથી પોલીસને આઠ પાનાનું સુસાઇડ નોટ મળ્યું હતું જેની શરૂઆત “સોરી, પાપા” શબ્દોથી શરૂ થાય છે. આ સાથે જ એક ડાયરી પણ મળી, જેમાં ફેમિલી માટે લખવામાં આવ્યું હતું કે “અહીં લખેલું બધું સાચું છે.” સુસાઇડ નોટ અને ડાયરી બન્નેમાં “કોરિયન લવર” ગેમનો ઉલ્લેખ હતો. તેમ જ કોરિયન કલ્ચર પ્રત્યેની તેમની દીવાનગી એમાં જોવા મળતી હતી. તેમની આ દીવાનગી તેમના માનસિક દબાણનું ગંભીર કારણ છે.

“કોરિયન લવર” ગેમને ટાસ્ક આધારિત ઇન્ટરેક્ટિવ એપ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં ખેલાડીઓ વર્ચ્યુઅલ રોમેન્ટિક પાર્ટનર સાથે જોડાય છે. જાણીતી “બ્લુ વ્હેલ ચેલેન્જ” જેવી જ આ ગેમ છે જેમાં પણ સમય સાથે કાર્યો વધતા જાય છે અને અંતિમ કાર્ય આત્મહત્યા કરવાનું કહેવાય છે. તપાસ બાદ સામે આવ્યું કે આ ત્રણેય બહેનો પોતાને કોરિયન રાજકુમારી તરીકે માનવા લાગી હતી. તેઓ પોતાની સાચી ઓળખથી દૂર થઈ ગઈ હતી અને ગેમની વાર્તા સાથે ભાવનાત્મક રીતે બંધાઈ ગઈ હતી. આ કારણસર તેમના દિમાગ પર એની અસર જોવા મળી હતી.

તેમની ડાયરીમાં લખાણ હતું કે તેઓએ કોરિયન નામ અને ઓળખ અપનાવી હતી. કોરિયન ડ્રામા, સંગીત અને ઑનલાઇન સમુદાયો પ્રત્યેની તેમની પસંદગીને કારણે તેમના પર આ ગેમ માનસિક રીતે હાવી થઈ ગઈ હતી.

ગાઝિયાબાદની આ દુર્ઘટના “બ્લુ વ્હેલ ચેલેન્જ” સાથે ઘણી સમાનતા ધરાવે છે. 2016–2017 દરમિયાન વિશ્વભરમાં ફેલાયેલી આ ઘાતક ઑનલાઇન ચેલેન્જમાં ઘણાં લોકોને જોખમી કાર્યો કરવા પ્રેરિત કરવામાં આવ્યા હતા. એમાં પોતાને નુકસાન પહોંચાડવાની સાથે એકલતા અપનાવવી અને અંતે આત્મહત્યા કરવા કહેવામાં આવતું હતું. આ ગેમ અનેક આત્મહત્યાઓ સાથે જોડાયેલી હતી અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે વિરોધ થયો હતો, જેના કારણે સરકારે કાર્યવાહી કરી અને જાગૃતિ અભિયાન શરૂ કર્યા હતા.

બ્લુ વ્હેલની જેમ જ, “કોરિયન લવર” ગેમ પણ કિશોરોની નબળાઈનો લાભ લેતી જણાય છે. માનસિક રીતે તેમના પર હાવી થઈ જાય છે અને વધતા કાર્યો દ્વારા ખેલાડીઓને તેમના જીવનનો અંત કરવા તરફ ધકેલે છે. બંને કેસ દર્શાવે છે કે ડિજિટલ પ્લેટફોર્મ્સ માનસિક રીતે ખૂબ જ અસર કરે છે અને મનોરંજનને જીવનનો અંત પણ બનાવી શકે છે.

(6:26 PM IST)