<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd February 2026

લગ્ન પહેલા યુવક-યુવતીએ દારૂ પીને શારીરિક સંબંધ બાંધતા ૧૪૦-૧૪૦ કોરડા ફટકારવાની સજા મળી

શરિયા પોલીસના જવાનો ચાબુક વડે કપલની પીઠ પર સતત ફટકારતા રહ્યા અસંખ્‍ય લોકો તમાશો જોતા રહ્યા

સજા દરમ્‍યાન યુવતી બેભાન થઈ ગઈ હતી, જે બાદ તેને તાત્‍કાલિક એમ્‍બ્‍યુલન્‍સમાં હોસ્‍પિટલે લઈ જવામાં આવી હતીબાંદા,તા.૦૨: ઈન્‍ડોનેશિયામાં એક ઘટનાની હાલમાં ખૂબ ચર્ચા થઈ રહી છે. જેને સાંભળ્‍યા બાદ તમે પણ હચમચી જશો. અહીંના આચે પ્રાંતમાં ફરી એક વાર શરિયા કાનૂનની કડકાઈ દુનિયાનું ધ્‍યાન ખેંચે છે. દેશના સૌથી કટ્ટર ઈસ્‍લામિક ગણાતા આ વિસ્‍તારમાં એક છોકરા અને છોકરીને સાર્વજાનિક રીતે ૧૪૦-૧૪૦ કોરડા ફટકારવામાં આવ્‍યા હતા. તેમનો આરોપ હતો કે તેમણે લગ્ન પહેલા દારૂ પીને સંબંધ બાંધ્‍યા હતા. આ ગુનાની સજા તેમને દુનિયાની સામે ફટકારવામાં આવી હતી. આ સજા હાલના વર્ષોમાં આપવામાં આવતી કપરી સજાઓમાં ગણતરી થાય છે. આ ઘટના રાજધાની બાંદા અચાના એક જાહેર પાર્કમાં થઈ હતી, જ્‍યાં અસંખ્‍ય લોકો તમાશો જોઈ રહ્યા હતા. શરિયા પોલીસના જવાનોએ ચાબુક વડે કપલની પીઠ પર સતત ફટકારતા રહ્યા. સમાચાર એજન્‍સી એએફપીના ઘટનાસ્‍થળે હાજર રિપોર્ટરના જણાવ્‍યા અનુસાર, સજા દરમ્‍યાન યુવતી બેભાન થઈ ગઈ હતી, જે બાદ તેને તાત્‍કાલિક એમ્‍બ્‍યુલન્‍સમાં હોસ્‍પિટલે લઈ જવામાં આવી હતી.

શરિયા પોલીસ પ્રમુખ મોહમ્‍મદ રિજાલે જણાવ્‍યું કે છોકરી અને છોકરા બંનેને કુલ ૧૪૦ ચાબુક મારવામાં આવ્‍યા હતા. તેમાં ૧૦૦ ચાબુક લગ્ન પહેલા સંબંધ બાંધવા માટે અને ૪૦ ચાબુક દારૂ પીવાના ગુનામાં મારવામાં આવ્‍યા હતા. રિજાલના જણાવ્‍યા મુજબ, આચેમાં વર્ષ ૨૦૦૧માં વિશેષ સ્‍વાયત્તતા મળ્‍યા પછી અને શરિયા કાયદો લાગુ થયા પછી આ સૌથી કડક સજાઓમાંની એક છે.

આચે ઇન્‍ડોનેશિયાનો એકમાત્ર પ્રાંત છે, જ્‍યાં શરિયા કાયદો લાગુ છે. અહીં લગ્ન વગર સંબંધ બાંધવો, દારૂ પીવો, જુગાર રમવો અને સમલૈંગિક કપલમાં રહેવું ગુનો માનવામાં આવે છે. આ ગુનાઓની સજા જાહેરમાં ચાબુક મારવાની હોય છે, જેથી સમાજ માટે ઉદાહરણ સ્‍થાપિત કરી શકાય.

આ ઘટનામાં માત્ર આ જ કપલને નહીં, પણ કુલ ૬ લોકોને શરિયા કાયદો તોડવાનો દોષી માનવામાં આવ્‍યા હતા. તેમાં એક શરિયા પોલીસ અધિકારી અને તેની મહિલા સાથી પણ સામેલ હતા, જેમને ખાનગી જગ્‍યાએ પકડવામાં આવ્‍યા હતા. બંનેને ૨૩-૨૩ ચાબુક મારવામાં આવ્‍યા હતા.

આ પહેલા પણ ૨૦૧૫માં બે પુરુષોને સમલૈંગિક સંબંધોના આરોપમાં ૭૬-૭૬ ચાબુક મારવામાં આવ્‍યા હતા. ત્‍યારે પણ આખી દુનિયામાં આચેની કડક શરિયા વ્‍યવસ્‍થાની ચર્ચા થઈ હતી. આચેમાં આવી સજાઓને લઈને આંતરરાષ્ટ્રીય સ્‍તરે માનવાધિકાર સંસ્‍થાઓ વારંવાર ટીકા કરતી રહી છે.

ટીકાકારોએ કહ્યું છે કે જાહેરમાં ચાબુક મારવી અમાનવીય અને અપમાનજનક છે, જ્‍યારે સ્‍થાનિક પ્રશાસન તેને ધાર્મિક અને સામાજિક વ્‍યવસ્‍થા જાળવવા માટે જરૂરી ગણાવે છે. એક તરફ આધુનિક દુનિયા સ્‍વતંત્રતાની વાત કરે છે, તો બીજી તરફ આચે શરિયા કાયદો આજે પણ લોકોના ભાગ્‍યનો નિર્ણય જાહેર મંચ પર કરે છે.

(1:45 PM IST)