<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th January 2026

દુનિયાના ઉત્તર ગોળાર્ધમાં પડી રહી છે હાડ થીજાવથી ઠંડી

અમેરિકથી લઈને યુરોપ અને રશિયામાં હાલત બની કફોડી:બરફ જેવા ઠંડા પવનોએ લોકોનું જનજીવન ખોળવી દીધું:તાપમાન માઇનસમાં જવા લાગ્યું

નવી દિલ્હી: દુનિયાના ઉત્તર ગોળાર્ધમાં હાલમાં હાડ થીજાવતી ઠંડી પડી રહી છે. અમેરિકાથી માંડીને યુરોપ અને રશિયા તથા એશિયાના કેટલાક વિસ્તારોમાં ઠંડીમાં લોકોની હાલત ખરાબ થઈ ગઈ છે. રશિયા તો જાણે કે રીતસરનું ઠુંઠવાઈ ગયું છે. આર્કટિકથી આવતા બરફ જેવા ઠંડા પવનોએ રશિયા અને તેના ઘણા પ્રાંતો અને શહેરોની હાલત કુલ્ફી જેવી કરી નાખી છે. શહેરોમાં વિશાળ મકાનો, દુકાનો અને ઈમારતો બરફથી ઘેરાઈ ગયા છે. તેમાંય રશિયાની રાજધાની મોસ્કોમાં માઈનસ ૩૦થી માઈનસ ૪૦ ડિગ્રી સુધી તાપમાન જતું રહ્યું છે. તાજેતરમાં અહીંયાના એક સ્કાયસ્ક્રેપરની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાઈરલ થયા છે. આ સમગ્ર ટાવર કુલ્ફીની જેમ થીજી ગયું છે. બીજી તરફ અમેરિકાની પણ એક તસવીર ઈન્ટરનેટ માધ્યમોમાં ચર્ચામાં છે. 

અમેરિકામાં પણ એટલી ઠંડી છે કે, પ્લેટમાં રહેલી ગરમા ગરમ નુડલ્સ પણ ફોર્કથી ઉચકીને પકડી રાખવામાં આવતા ગણતરીની સેકન્ડમાં થીજી ગઈ હતી. તેના કારણે ફોર્ક હવામાં લટકતી હોય તેવું દ્રશ્ય સર્જાયું હતું.

ઉલ્લેખનીય છે કે, મોસ્કોનું જાણીતું ઓસ્તાન્કિનો ટાવર કે જે ૫૪૦ મીટરની ઉંચાઈ ધરાવે છે, તેના ઉપર ભયાનક બરફ પડયો હતો. આ ટાવર ઉપર બરફ પડવા ઉપરાંત બરફનું એક મોટું લેયર સર્જાઈ ગયું હતું. સમગ્ર ઈમારત જાણે કે કુલ્ફી જમાવી હોય તે રીતે જામી ગયું હતું.

 જાણકારો માને છે કે, આ રીતે બરફ પડવો અને આટલી બધી માત્રામાં બરફ પડવો તે બંને કુદરતી નથી. 

ગ્લોબલ વોર્મિંગને પગલે જે ઋતુચક્રમાં ફેરફાર આવ્યો છે તેણે ઠંડીની માત્ર અતિશય વધારી દીધી છે અને આ રીતે બરફ પડી રહ્યો છે. આ પરિવર્તન અસાધારણ અને આશ્ચર્યજનક છે.

બીજી તરફ એટલાન્ટિકની પાર અમેરિકામાં પણ સ્થિતિ આવી જ છે. ત્યાં પણ હાલમાં ઠંડીનો સામનો કરવામાં લોકોના હાંજા ગગડી રહ્યા છે. મિનિયાપોલિસમાં તાપમાન ઘટીને માઈનસ ૩૦ પહોંચી ગયું હતું. તે ઉપરાંત ઠંડીમાં અનુભવાતા ઠંડા પવનોની સ્થિતિ પણ અત્યંત ખરાબ હતી. આ વિંડ ચિલનું તાપમાન માઈનસ ૪૩ ડિગ્રી જેટલું હતું. અમેરિકાના આ વિસ્તારોમાં લોકોને પાસ્તા એક્સ્પિરિમેન્ટ હાલમાં ઈન્ટરનેટ માધ્યમોમાં ખૂબ જ વાઈરલ છે. અહીંયા એટલી બધી ઠંડી હતી કે, હવામાં ઉંચા કરેલા ઉકાળેલા નુડલ્સ ગણતરીની સેકન્ડમાં થીજી જતા હતા. લોકો ફોર્કમાં નુડલ્સ ઉચકીને અખતરા કરતા હતા. થીજી ગયેલા નુડલ્સમાં હવામાં લટકતી ફોર્ક અને ચમચીઓની તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ ફરતી થઈ રહી છે.

(7:51 PM IST)