તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 29th December 2025
ચીને તાઇવાનને ઘેરી જમીનથી લઈને આકાશ સુધી શક્તિ પ્રદર્શન કરતા તણાવ વધ્યો
ચીને સૈન્ય ગતિવિધિઓ શરૂ કરીને આપ્યો સંકેત:તાઈવાનની આસપાસના ટાપુ પરના મુખ્ય સ્થળોને કબ્જે લેવા અને નાકાબંધી કરવા સૈન્ય કવાયત હાથ ધરવામાં આવી

નવી દિલ્હી: ચીને તાઈવાને ઘેરીને જમીનથી આકાશ સુધી શક્તિ પ્રદર્શન કરતા તણાવ વધ્યો છે. ચીને સૈન્ય ગતિવિધિઓ શરૂ કરીને સંકેત આપ્યો છે કે, તે તેને નિશાન બનાવી શકે છે. ચીને તાઈવાનની આસપાસના ટાપુ પરના મુખ્ય સ્થળોને કબજે લેવા અને નાકાબંધી કરવા માટે સૈન્ય કવાયત હાથ ધરી છે. ચીન સેનાએ કહ્યું કે, અમે તાઈવાનની આસપાસના વિસ્તારોમાં લશ્કરી અભ્યાસ કરવા માટે સેના, નૌસેના અને વાયુસેના અને રૉકેટ ફોર્સ મોકલી છે. આ દરમિયાન લાઈવ ફાયર યુદ્ધાભ્યાસ પણ કરવામાં આવશે. ચીને આ યુદ્ધાભ્યાસનું નામ ‘જસ્ટિસ મિશન 2025’ હોવાનું સામે આવ્યું છે.
તાજેતરમાં જ અમેરિકાએ તાઈવાન સાથે 11 બિલિયન ડૉલરની ડીલ કરીને મોટા હથિયારો આપવાની જાહેરાત કરી હતી, જેના થોડા દિવસ બાદ ચીને આ યુદ્ધાભ્યાસ શરૂ કર્યો છે. અમેરિકાની જાહેરાત બાદ ચીન ગુસ્સે થયું છે અને તેણે અમેરિકન સંરક્ષણ ફર્મો પર પ્રતિબંધ ઝિંકી દીધો છે.
છેલ્લા ઘણા વર્ષોથી ચીન સાથે સરહદ વિવાદ થતાં તાઈવાને આ વર્ષની શરૂઆતમાં સંરક્ષણ બજેટ વધારવાની કવાયત શરૂ કરી દીધી છે. ચીન તાઈવાનની આસપાસના ટાપુને પોતાનો વિસ્તાર માને છે.
ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સના રિપોર્ટ મુજબ, યુદ્ધાભ્યાસમાં ચાઈના કોસ્ટ ગાર્ડ મુખ્ય ભૂમિકા નિભાવી રહ્યું છે. ચોંકાવનારી વાત એ છે કે, કોસ્ટ ગાર્ડે ‘તાઈવાન જલડમરુમધ્યમાં પેટ્રોલિંગ અને નિયંત્રણ’ નામનું એક પોસ્ટ પણ જાહેર કર્યું છે, જેના કારણે બંને દેશો વચ્ચે વિવાદ વધ્યો છે. પોસ્ટ પરથી લાગી રહ્યું છે કે, ચીન તાઈવાન સાથેના વિવાદાસ્પદ વિસ્તારમાં પેટ્રોલિંગ અને નિયંત્રણ વધારવાનો પ્રયાસ કરી રહ્યું છે.
પોસ્ટરમાં કોસ્ટ ગાર્ડના અનેક જહાજો ચાર દિશા ઉત્તર-દક્ષિણ-પશ્ચિમ-પૂર્વ આગળ વધીને તાઈવાન તરફ જતા દેખાડાયા છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, પોસ્ટરમાં તાઈવાન ટાપુના પૂર્વ ભાગને નાકાબંધી કરતા અનેક જહાજો દેખાડવામાં આવ્યા છે. ચીને તાઈવાનની ચારેતરફ એમ્ફીબિયસ ફોર્સ તહેનાત કરી છે, જેમાં લાઈવ-ફાયર યુદ્ધાભ્યાસ અને બ્લૉકેડ જેવો અભ્યાસ પણ શરૂ કરી દેવાયા છે.
(6:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
