<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th December 2025

મેક્સિકોમાં પુરપાટ ઝડપે જતી એક બસ 600 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી

ગોઝારા અકસ્માતમાં 10 લોકોના મૃત્યુના સમાચાર:32 ઈજાગ્રસ્ત:બસની ઓવરસ્પીડના કારણોસર અકસ્માત સર્જાયો હોવાનું લોકોનું માનવું

નવી દિલ્હી:  મેક્સિકોમાં ક્રિસમસની ઉજવણી માતમના માહોલમાં ફેરવાઈ ગઈ છે. પૂર્વી મેક્સિકોમાં 24 ડિસેમ્બરના રોજ એક પૂર ઝડપે જતી પેસેન્જર બસ પલટી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક બાળક અને અન્ય 9 મળી કુલ 10 લોકોના મોત નીપજ્યા છે અને 32 મુસાફરો લોહીલુહાણ થયા છે. વેરાક્રુઝ પ્રશાસને ગુરુવારે વિગતો આપતા જણાવ્યું હતું કે, 'આ અકસ્માત જોન્ટેકોમાટલાન(Zontecomatlan) કસબા પાસે સર્જાયો હતો. બસ મેક્સિકો સિટીથી ચિકોન્ટેપેક ગામ તરફ જઈ રહી હતી. પ્રત્યક્ષદર્શીઓના મતે બસની સ્પીડ ખૂબ જ વધારે હતી. જોકે, તંત્ર તપાસ કરી રહ્યું છે કે અકસ્માત અતિશય ઝડપને કારણે થયો કે બસમાં કોઈ યાંત્રિક ખામી સર્જાઈ હતી.
જોન્ટેકોમાટલાન મેયર ઓફિસે સત્તાવાર નિવેદન જાહેર કરતા જણાવ્યું કે, 'અમે આ દુર્ઘટનામાં 9 પુખ્ત વયના લોકો અને એક બાળકના મોતની પુષ્ટિ કરીએ છીએ.' નગરપાલિકા દ્વારા 32 ઘાયલોની યાદી પણ જાહેર કરવામાં આવી છે અને તેઓ કઈ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે તેની વિગતો પરિવારજનો માટે જાહેર કરવામાં આવી છે.
મેક્સિકોમાં છેલ્લા કેટલાક સમયથી જીવલેણ માર્ગ અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે. ખાસ કરીને બસ અને ટ્રક જેવા ભારે વાહનો અતિશય ઝડપ અથવા મેન્ટેનન્સના અભાવે અકસ્માતનો ભોગ બને છે.

 

(6:10 PM IST)