<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th December 2025

જાણો ‘લક્ઝમબર્ગ’ની સુખાકારીનું રહસ્ય

એક સમયે ગરીબીની હાડમારી વેઠતો દેશ આવે વિશ્વમાં ઉચ્ચ જીવન ગુણવતામાં ટોચનું સ્થાન ધરાવે છે:ભૂતકાળમાં જ્યાં લોકો રોજગાર અને સુખી જીવનની શોધમાં લક્ઝમબર્ગ છોડી દેતા હતા, તેઓ આજે એ જ દેશમાં સ્થાયી થવા માટેની વિશ્વભરના લોકોમાં હોડ મચી છે

નવી દિલ્હી: એક સમયે ગરીબીની હાડમારી વેઠતો, માણસોના સ્થળાંતરનો સામનો કરતો યુરોપિયન દેશ ‘લક્ઝમબર્ગ’ આજે વિશ્વમાં ઉચ્ચ જીવન ગુણવત્તામાં ટોચનું સ્થાન ધરાવે છે. 'વર્લ્ડ ઓફ સ્ટેટિસ્ટિક્સ' દ્વારા તાજેતરમાં જાહેર અહેવાલ પ્રમાણે લક્ઝમબર્ગે સલામતી, આરોગ્ય, પોષણ અને સંતોષના માપદંડો પર પહેલા ક્રમે સ્થાન પ્રાપ્ત કર્યું છે. ભૂતકાળમાં જ્યાં લોકો રોજગાર અને સુખી જીવનની શોધમાં લક્ઝમબર્ગ છોડી દેતા હતા, તેઓ આજે એ જ દેશમાં સ્થાયી થવા માટેની વિશ્વભરના લોકોમાં હોડ મચી છે. લક્ઝમબર્ગ શરૂઆતમાં ફક્ત એક કિલ્લો હતો. મધ્યયુગમાં તે વિવિધ યુરોપિયન સામ્રાજ્યના નિયંત્રણ હેઠળ આવ્યો. તેનું ભૂગોળીય સ્થાન જર્મની, ફ્રાંસ અને બેલ્જિયમ જેવા યુરોપના ત્રણ મહત્ત્વના અને મોટા દેશો વચ્ચે હોવાથી તે સતત રાજકીય અને લશ્કરી સંઘર્ષોનું કેન્દ્ર બનતું રહ્યું. સદીઓ સુધી આ પડોશી દેશોએ લક્ઝમબર્ગને 'પ્રોક્સી યુદ્ધો'નું મેદાન બનાવ્યું, જેના કારણે ત્યાંની રાજકીય અસ્થિરતા અને આર્થિક સ્થિતિમાં કોઈ ખાસ સુધારો થયો નહીં.

19મી સદીમાં લક્ઝમબર્ગની સ્થિતિ વધુ ગંભીર બની. કદની રીતે નાનકડા લક્ઝમબર્ગનું અર્થતંત્ર મુખ્યત્વે થોડીઘણી જમીનમાં ખેતી પર ટકેલું હતું. ઔદ્યોગિકીકરણ તો નગણ્ય હતું. એક તબક્કે વસ્તી વધારાને કારણે લક્ઝમબર્ગની થોડી જમીન પર દબાણ વધી ગયું. વધુમાં, ત્યાં ત્રાટકેલા ગંભીર દુષ્કાળે સ્થિતિ વધુ વિકટ બનાવી. પરિણામે લક્ઝમબર્ગમાં મોટા પાયે સ્થળાંતર શરૂ થયું. ગરીબી અને અનિશ્ચિત ભવિષ્યથી છુટકારો મેળવવા હજારો લોકો દેશ છોડી ગયા. ઘણાં લોકો નવી તકોની શોધમાં અમેરિકા ગયા, તો ઘણાં ફ્રાંસ અને બેલ્જિયમ જેવા ઝડપથી ઔદ્યોગિકીકરણ પામી રહેલા પડોશી દેશોમાં સ્થાયી થઈ ગયા. એ સમયે લક્ઝમબર્ગ યુરોપના સૌથી ગરીબ દેશો પૈકીનો એક ગણાતો હતો. 

20મી સદીની શરૂઆતમાં લક્ઝમબર્ગનું નસીબ બદલાયું. દેશમાં મોટા પ્રમાણમાં લોખંડ અને સ્ટીલના ભંડાર શોધાયા. આ સંસાધનોએ ઔદ્યોગિક વિકાસ માટેનો પાયો નાંખ્યો. સ્ટીલ ઉદ્યોગ ઝડપથી વિકસિત થયો, રોજગારના નવા અવસરો બન્યા. બીજા વિશ્વયુદ્ધ પછીના પુનઃનિર્માણ દરમિયાન લક્ઝમબર્ગનો સ્ટીલ ઉદ્યોગ યુરોપમાં એક મહત્ત્વપૂર્ણ શક્તિ બનીને ઉભર્યો. 

(5:55 PM IST)