તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 8th December 2025
ઓસ્ટ્રિયાના સૌથી ઊંચા શિખર પર, માઈનસ ૨૦ ડિગ્રી તાપમાનમાં અને બર્ફીલા તોફાન વચ્ચે ગર્લફ્રેન્ડને મોતને હવાલે એકલી છોડી દેનાર પ્રેમીની ધરપકડ: પ્રેમ અને સાહસની સફરનો કરુણ અંજામ
ઓસ્ટ્રિયાના સૌથી ઊંચા પર્વત પર ૩૯ વર્ષીય પર્વતારોહકે પોતાની ગર્લફ્રેન્ડને માઈનસ ૨૦ ડિગ્રી તાપમાનમાં અને બર્ફીલા તોફાન વચ્ચે શિખરની નજીક એકલી છોડી દીધી હતી, જેના પરિણામે યુવતીનું થીજી જવાથી મોત થયું હતું. આ ગંભીર ઘટનામાં પોલીસે યુવકની સામે ગેરઈરાદે હત્યા (મેનસ્લોટર) અને ઘોર બેદરકારીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાએ સમગ્ર યુરોપમાં ચકચાર જગાવી છે.

આ હૃદયદ્રાવક ઘટના ઓસ્ટ્રિયાના સૌથી ઊંચા પર્વત 'ગ્રોસગ્લોકનર' (ઊંચાઈ ૧૨,૪૬૦ ફૂટ) પર બની હતી. સાલ્ઝબર્ગનો રહેવાસી ૩૯ વર્ષીય અનુભવી પર્વતારોહક અને તેની ૩૩ વર્ષીય ગર્લફ્રેન્ડ જાન્યુઆરી મહિનામાં પર્વતારોહણ માટે ગયા હતા. તપાસમાં સામે આવ્યું છે કે, બંને પ્રેમી-પંખીડાએ શિખર સર કરવા માટે મોડેથી ચઢાણ શરૂ કર્યું હતું અને તેમની પાસે પૂરતા પ્રમાણમાં ઈમરજન્સી સાધનો પણ નહોતા.
ગ્રોસગ્લોકનર પર ચઢાણ કરતી વખતે, ૩૬ વર્ષીય થોમસ પ્લામ્બર્ગર પર તેની ૩૩ વર્ષીય ગર્લફ્રેન્ડ કેર્સ્ટિન ગર્ટનરને થીજાવી દે તેવા શૂન્યથી નીચેના તાપમાનમાં બરફના તોફાન વચ્ચે એકલી છોડી દેવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
જ્યારે તેઓ શિખરથી માત્ર ૧૬૫ ફૂટ (લગભગ ૫૦ મીટર) દૂર હતા, ત્યારે યુવતીની તબિયત લથડી હતી અને તે આગળ વધવા માટે અસમર્થ બની ગઈ હતી. આવા સમયે તેને મદદ કરવા કે નીચે લાવવાને બદલે, પ્રેમીએ તેને ત્યાં જ થીજતી હાલતમાં એકલી છોડી દીધી હતી અને પોતે મદદ મેળવવાના બહાને નીચે ઉતરી ગયો હતો.
પોલીસ તપાસ અને વેબકેમ ફૂટેજમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. યુવકે દાવો કર્યો હતો કે તે મદદ માટે નીચે ગયો હતો, પરંતુ તપાસમાં જણાયું કે તેણે યુવતીને કોઈ પણ પ્રકારના રક્ષણ કે ઈમરજન્સી બ્લેન્કેટ વગર ખુલ્લામાં છોડી દીધી હતી. એટલું જ નહીં, તેણે ઈમરજન્સી સર્વિસને ફોન કરવામાં પણ ઘણો વિલંબ કર્યો હતો. યુવતીને લગભગ ૬ કલાક સુધી કાતિલ ઠંડીમાં એકલા રહેવું પડ્યું હતું, જેના કારણે હાઈપોથર્મિયાથી તેનું મોત થયું હતું.
ઓસ્ટ્રિયાની પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લઈ યુવક સામે "ગ્રોસ નેગ્લિજન્સ" (ઘોર બેદરકારી) અને ગેરઈરાદે હત્યાનો ગુનો દાખલ કર્યો છે. પોલીસનું માનવું છે કે એક અનુભવી પર્વતારોહક તરીકે તેણે પોતાની બિનઅનુભવી પાર્ટનરની સુરક્ષાની જવાબદારી લેવી જોઈતી હતી. જો કોર્ટમાં ગુનો સાબિત થશે તો યુવકને ૩ વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે.
(12:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
