<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th December 2025

મલેશિયા એરલાઈન્સની ફ્લાઇટ નં. 370 (MH370) એ આધુનિક વિમાની ઇતિહાસની સૌથી રહસ્યમય ઘટના બની ગઈ છે

239 યાત્રીઓ અને ક્રુ સભ્યો સહીત ઉડાન ભર્યા પછી બોઇંગ 777-200ER વિમાન મલક્કાની સામુદ્રધુની પર રડાર પરથી અદૃશ્ય થઈ ગયું હતું:દુર્ઘટનાના એક દસકા પછી ફરી એક શોધ અભિયાન શરૂ કરાઈ રહ્યું હોવાની માહિતી

નવી દિલ્હી: મલેશિયા એરલાઇન્સની ફ્લાઇટ નં. 370 (MH370) એ આધુનિક વિમાની ઇતિહાસની સૌથી રહસ્યમય ઘટના બની ગઈ છે. 8 માર્ચ, 2014ના રોજ કુઆલાલમ્પુરથી બેઇજિંગ જવા માટે 239 યાત્રીઓ અને ક્રૂ સભ્યો સહિત ઉડાન ભર્યા પછી બોઇંગ 777-200ER વિમાન મલક્કાની સામુદ્રધુની પર રડાર પરથી અદૃશ્ય થઈ ગયું હતું. શરુઆતી શોધખોળ દરમિયાન મળેલા સેટેલાઇટ ડેટાને આધારે વિમાન તેના નિયત માર્ગથી ભટકીને દક્ષિણ હિંદ મહાસાગરમાં ક્યાંક ક્રેશ થઈ ગયું હોવાનું મનાય છે. વિમાનની શોધ માટે બહુ પ્રયાસો કરાયા છતાં એમાં સફળતા નહોતી મળી. હવે, દુર્ઘટનાના એક દસકા પછી ફરી એક શોધ અભિયાન શરુ કરાઈ રહ્યું છે.
મલેશિયાના પરિવહન મંત્રાલયે બુધવારે જાહેરાત કરી હતી કે, અમેરિકાની ‘ઓશન ઇન્ફિનિટી’ નામની મરીન રોબોટિક્સ કંપની ગુમ થયેલા વિમાનની શોધ કરશે. એ માટે કંપનીએ માર્ચ, 2024માં મલેશિયન સરકાર સાથે ‘નો-ફાઇન્ડ, નો-ફી’ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ કરારનો અર્થ એ કે જો વિમાનનો ભંગાર ન મળે તો કંપનીને કોઈ ફી આપવામાં નહીં આવે.
આ શોધ ઓપરેશન માટે અમેરિકન કંપનીને કોઈ ઍડ્વાન્સ પેમેન્ટ નહીં કરાય. વિમાનનું ફ્યુજલાજ (જેમાં મુસાફરોની બેઠક વ્યવસ્થા હોય છે એ મુખ્ય ધડ) અથવા બ્લેક બોક્સ (જેમાં ઉડ્ડયન દરમિયાન વિમાનનો ડેટા સંગ્રહ થતો હોય છે)ના કોઈ નક્કર અવશેષ મળશે તો જ શોધકર્તા કંપનીને નિશ્ચિત કરાયેલી 70 મિલિયન યુએસ ડૉલર(અંદાજે 580 કરોડ રૂપિયા)ની રકમ ચૂકવવામાં આવશે.
આ જ અમેરિકન કંપનીએ 2018માં પણ સમાન શરતો હેઠળ વિમાનની શોધ કરી હતી, પરંતુ તે સફળ થઈ નહોતી. છેલ્લા છ વર્ષમાં કંપનીની તકનીકી ક્ષમતાઓ (જેમ કે ઓટોનોમસ અંડરવોટર સાધનો અને સોનાર મેપિંગ)માં મહત્ત્વપૂર્ણ સુધારા થયા છે. નવા ડેટા વિશ્લેષણ અને નિષ્ણાતોની સલાહના આધારે શોધ ક્ષેત્રનો અગાઉ કરતાં બહેતર ‘સૌથી સંભવિત વિસ્તાર’ નક્કી કરવામાં આવ્યો છે. વર્ષ 2025ની શરુઆતમાં પણ કંપનીએ શોધ શરુ કરી હતી, પરંતુ ખરાબ હવામાનને કારણે એ મુલતવી રાખવી પડી હતી. હવે, આ મહિનાના અંતથી કંપની ફરીથી શોધ અભિયાન શરુ કરશે.

 

(6:07 PM IST)