તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 5th December 2025
પીઆર માટે કેનેડાએ બનાવ્યો નવો પ્લાન
ભારતીયો અને યુએસમાં ફસાયેલ H1B વિઝાધારકોની મુશ્કેલી દૂર થશે:2026 અને 2027ની વચ્ચે કુલ 33,000 કામચલાઉ વર્ક પરમિટ ધારકોને PR આપવામાં આવશે:અધિકારીઓના જણાવ્યા મુજબ આ નવો રૂટ થોડા જ મહિનામાં શરૂ થશે

નવી દિલ્હી: કેનેડા આવતા વર્ષે એટલે કે, 2026માં સ્થાયી નિવાસ (PR) માટે અનેક નવા રસ્તા શરૂ કરવા જઈ રહ્યું છે. કેનેડાની સરકારનો હેતુ એવા લોકોને પ્રાથમિકતા આપવાનો છે, જે પહેલાંથી કેનેડામાં રહીને અભ્યાસ, નોકરી અથવા કોઈ અન્ય અસ્થાયી વિઝા પર કામ કરી રહ્યા છે. એટલે કે, અસ્થાયી નિવાસીને (Temporary Residents) સ્થાયી નિવાસી બનાવવું. વળી, 2025માં PR પાઇલટ પ્રોજેક્ટ પોતાની સમયમર્યાદા પૂરી થવાના કારણે બંધ થઈ ગયા હતા, 2026માં તેમાંથી અનેક ફરી ખુલશે. ચાલો જાણીએ, કયા લોકો માટે PR મેળવવાની તક મળી શકે છે. સરકારના ઇમિગ્રેશન લેવલ્સ પ્લાન 2026-2028માં જણાવાયું છે કે, 2026 અને 2027ની વચ્ચે કુલ 33,000 કામચલાઉ વર્ક પરમિટ ધારકોને PR આપવામાં આવશે. આ એવા લોકો માટે છે જેઓ કેનેડામાં કાર્યરત છે અને ટેક્સ ચૂકવે છે, સમાજમાં એકીકૃત થયા છે અને લાંબા સમયથી કેનેડામાં વસેલા છે. 2021માં TR થી PR પાઇલટ પ્રોજેક્ટ ચલાવવામાં આવ્યો હતો, જે લૉન્ચ થતા જ ભરાઈ ગયો હતો. જોકે, સરકારે હજુ સુધી આ માટે જરૂરી દસ્તાવેજ લિસ્ટ અને ચોક્કસ નિયમો જાહેર નથી કર્યા.
કેનેડાના 2025ના બજેટની જાહેરાતમાં જણાવાયું હતું કે, કેનેડા H-1B પર અમેરિકામાં કામ કરતા લોકોને ઝડપી PR નો રસ્તો આપશે. આ નવો કાર્યક્રમ ટેક, હેલ્થકેર અને સંશોધન જેવા મુખ્ય ક્ષેત્રોમાં કામ કરતા ઉચ્ચ કુશળ વ્યાવસાયિકોને આકર્ષવા માટે કેનેડાની યોજનાનો એક ભાગ છે. 2023માં પણ આવો જ સફળ પાઇલટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં 10,000 H-1B ધારકોને 3 વર્ષની ઓપન વર્ક પરમિટ આપવામાં આવી હતી.
અધિકારીઓએ જણાવ્યું કે, આ નવો રૂટ થોડા મહિનામાં શરૂ થશે, પરંતુ ચોક્કસ તારીખ અને સંપૂર્ણ પાત્રતા હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. H-1B વિઝા પર અમેરિકામાં કામ કરી રહેતા અને અમેરિકા છોડવા ઈચ્છતા ભારતીયો માટે આ સારા સમાચાર છે.
માર્ચ 2025માં, IRCC એ જાહેરાત કરી હતી કે 14,000 વિદેશી બાંધકામ શ્રમિકોને કેનેડામાં પ્રવેશ આપવામાં આવશે. આમાંથી 6,000 જગ્યાઓ બિનદસ્તાવેજીકૃત સ્થિતિ હેઠળ કેનેડામાં પહેલાથી જ કામ કરતા કામદારો માટે હશે. આ પગલું બાંધકામ ક્ષેત્રમાં શ્રમિકોની તીવ્ર અછત અને રહેઠાણની ઊંચી માંગને કારણે છે. જો કે, સરકારે હજુ સુધી જણાવ્યું નથી કે, PR હશે, અસ્થાયી હશે અથવા બંનેનું મિશ્રણ. જોકે, હજુ સુધી અરજીની તારીખ કે પાત્રતા જાહેર કરવામાં નથી આવી.
(6:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
