<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th November 2025

1.3બિલિયન પાસવર્ડ અને 2 બિલીયન ઈમેલ થયા લીક

આ અત્યાર સુધીનો સૌથી મોટા ડેટા લિકોમાંનું એક ગણવામાં આવી રહ્યું છે:લોગ ઈન ડેટાનો પણ સમાવેશ થયો

નવી દિલ્હી: ઇન્ટરનેટ પર હાલમાં 1.3 બિલિયન પાસવર્ડ અને અંદાજે 2 બિલિયન ઇમેલ એડ્રેસ ઓનલાઇન લીક થયા છે. આ અત્યાર સુધીના સૌથી મોટા ડેટા લીકમાંનું એક ગણવામાં આવી રહ્યું છે જેમાં લોગ-ઇન ડેટાનો સમાવેશ કરવામાં આવ્યો છે. સિક્યોરિટી એક્સપર્ટનું કહેવું છે કે વર્ષો પહેલાં પણ તમારો પાસવર્ડ ચોરાયો હશે તો એનો સમાવેશ આ ડેટા લીકમાં પણ કરવામાં આવ્યો છે. હાલમાં ઓનલાઇન જે ડેટા લીક શેર કરવામાં આવી રહ્યો છે એમાં 1.3 બિલિયન યુનિક પાસવર્ડ અને 1,95,74,76,021 ઇમેલ એડ્રેસનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ તમામ ડેટા એક સાથે હેક કરવામાં નથી આવ્યો. જૂના અને અત્યારના હેકના તમામ ડેટા મિક્સ કરીને એને વેબસાઇટ પર મૂકવામાં આવ્યા છે. સાઇબરસિક્યોરિટી Synthient દ્વારા આ ડેટાને એસેમ્બલ કરવામાં આવ્યા છે. તેમણે ડુપ્લિકેટ ડેટાને ડિલીટ કર્યા છે જેથી ચોક્કસ કેટલાં ડેટા લીક થયા છે એ જાણી શકાય.

Have I Been Pwned વેબસાઇટના ક્રિએટર ટ્રોય હન્ટ દ્વારા આ વાતની પુષ્ટિ આપવામાં આવી છે કે ડેટા લીક થયો છે. તેમના અનુસાર આ ડેટા લીકમાં ઘણાં નવા પાસવર્ડનો સમાવેશ થયો છે. અગાઉ એક પણ વાર હેક ન થયા હોય એવા 625 મિલિયન પાસવર્ડનો આ લીકમાં સમાવેશ કરવામાં આવ્યો છે. અગાઉ જેમણે પણ તેમના એકાઉન્ટને ચેક કરીને પાસવર્ડ ચેન્જ કર્યો હોય તેમણે ફરી બદલવાની જરૂર છે.

હેકર્સ દ્વારા પાસવર્ડને અલગ અલગ એકાઉન્ટ્સ પર રિલીઝ કરવામાં આવ્યાં છે. મોટાભાગના યુઝર્સ તેમના જૂના પાસવર્ડનો ઉપયોગ કરે છે. તેમ જ એક જ પાસવર્ડ ઇમેલ, બેન્કિંગ, શોપિંગ અને સોશિયલ મીડિયા પર ઉપયોગ કરતાં હોય છે. આથી આ પાસવર્ડ લીક થતાં ઘણાં યુઝર્સના બેન્ક એકાઉન્ટ પણ સંકટમાં આવી શકે છે. સાઇબરક્રિમિનલ માટે આ ડેટા લીક સોનાની ખાણ જેવા છે. એના દ્વારા આઇડેન્ટિટી થેફ્ટ, ફિશિંગ એટેક અને નાણાકીય છેતરપિંડી જેવા ઘણાં ક્રાઇમ કરવામાં આવી શકે છે.

Have I Been Pwnedના પાસવર્ડ ટૂલની મદદથી તમારો પાસવર્ડ ડેટા લીકમાં છે કે નહીં એ ચેક કરવું. આ માટે ઇમેલ નાખવાની જરૂર નથી. ફક્ત પાસવર્ડ દ્વારા જાણી શકાશે. જો પાસવર્ડ લીકમાં હશે તો જણાવી દેવામાં આવશે. જો એમાં સમાવેશ થયો હોય તો પાસવર્ડ બદલી નાખવો. જો આ પાસવર્ડ અન્ય એકાઉન્ટમાં પણ ઉપયોગમાં લેવામાં આવતો હોય તો એ તમામ પાસવર્ડને બદલી કાઢવા.

 

(6:52 PM IST)