News of Monday, 17th November 2025
કર્મચારીઓને બોનસમાં સોનાની કી-બોર્ડ કેપ્સ ગિફટ આપી
ચીનમાં ૩૬૦ ડિગ્રી કેમેરા બનાવતી ટેક કંપની ઇન્સ્ટા૩૬૦ છેલ્લાં ૪ વર્ષથી એના કર્મચારીઓને તેમની મહેનતના પ્રતીક તરીકે કી-બોર્ડની સોનાની કી-કેપ્સથી ગિફટ આપે છે

શેનઝેન,તા.૧૭: ચીનમાં ૩૬૦ ડિગ્રી કેમેરા બનાવતી ટેક કંપની ઇન્સ્ટા૩૬૦ છેલ્લાં ૪ વર્ષથી એના કર્મચારીઓને તેમની મહેનતના પ્રતીક તરીકે કી-બોર્ડની સોનાની કી-કેપ્સથી ગિફટ આપે છે. ચીનના શેનઝેનમાં આવેલી આ કંપનીને લોકો હવે ગોલ્ડ ફેક્ટરી તરીકે પણ જાણવા લાગ્યા છે. આ વર્ષે કંપનીએ ૨૧ કર્મચારીઓને સોનાની કી-કેપ્સ ભેટમાં આપી હતી. સ્પેસબાર માટે બનાવેલી સૌથી મોટી કી-કેપનું વજન ૩૫.૦૨ ગ્રામ છે અને એની કિમત આશરે ૪૫,૦૦૦ ડોલર (આશરે ૪૦ લાખ રૂપિયા) છે. અત્યાર સુધીમાં કંપનીએ એના કર્મચારીઓને કુલ પંચાવન સોનાની કી-કેપ્સ આપી છે. સોનાના વધતા ભાવને કારણે આ કી-કેપ્સની કિમત હવે બમણી થઈ ગઈ છે. આ ભેટ ફક્ત કર્મચારીઓ માટે બોનસ જ નહીં પરંતુ તેમની મહેનત અને સમર્પણની ઓળખ પણ છે. જુલાઈમાં કંપનીએ એની દસમી વર્ષગાંઠની ઉજવણી કરી ત્યારે દરેક કર્મચારી અને ઇન્ટર્નને ગોલ્ડ બ્લાઇન્ડ બોક્સ આપ્યું હતું. આ બોક્સમાં વિવિધ ડિઝાઇનવાળાં ૦.૩૬ ગ્રામ શુદ્ધ સોનાનાં સ્ટિકરો હતાં. એમાં એક સુંદર સંદેશ પણ હતો કે ‘જે ચમકે છે એ ફક્ત સોનું નથી, એ તમે છો.' આ સંદેશ કર્મચારીઓને અહેસાસ કરાવે છે કે સાચી તેજાસ્વિતા ફક્ત સોનામાં નહીં, પરંતુ તેમની મહેનત અને પ્રતિભામાં રહેલી છે.
(10:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
