<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th November 2025

ચીન સામે અમેરિકાએ કર્યું આત્મસમર્પણ

અમેરિકાએ જીની જહાજો પર લગાવવામા આવેલ નવી પોર્ટ ફી સસ્પેન્ડ કરી દીધી:અમેરિકાએ ટ્રમ્પની આકરી ટીકા થઇ રહી હોવાના સમાચાર:ટ્રમ્પ ચીન પ્રત્યે પોતાનું વલણ નરમ કરી રહ્યા છે

નવી દિલ્હી:  ચીન સામે આકરું વલણ અપનાવવાનો દાવો કરનારા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક એવું પગલું ભર્યું છે જેને અમેરિકાનું ચીન સામે આત્મસમર્પણ માનવામાં આવી રહ્યું છે. અમેરિકાએ ચીની જહાજો પર લગાવવામાં આવેલી નવી પોર્ટ ફી સસ્પેન્ડ કરી દીધી છે, જેના કારણે અમેરિકામાં ટ્રમ્પની આકરી ટીકા થઈ રહી છે. ટ્રમ્પના આ નિર્ણયની ચારેકોર ચર્ચા થવા લાગી છે. અમેરિકાની વિપક્ષી ડેમોક્રેટિક પાર્ટીનું કહેવું છે કે, ટ્રમ્પ ચીન પ્રત્યે પોતાનું વલણ નરમ કરી રહ્યા છે. અમેરિકાના ટ્રેડ યુનિયન પણ પોર્ટ ફી સસ્પેન્ડ કરવાના ટ્રમ્પના નિર્ણયથી નાખુશ છે.
વેપાર તણાવ વચ્ચે અમેરિકા અને ચીને તાજેતરમાં જ એકબીજાના જહાજો પર પોર્ટ ફી લાદી હતી. ગત મહિને દક્ષિણ કોરિયામાં એક શિખર સંમેલન દરમિયાન અમેરિકન પ્રમુખ ટ્રમ્પ અને ચીનના પ્રમુખ શી જિનપિંગ વચ્ચે થયેલી મુલાકાત બાદ બંને દેશોએ પોર્ટ ફી સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો હતો. સૌથી પહેલા અમેરિકાએ પોર્ટ ફી હટાવી હતી, ત્યારબાદ સોમવારે ચીને પણ અમેરિકા અને અમેરિકા સાથે સંબંધિત જહાજો પર પોર્ટ ફી હટાવી દીધી હતી.
ચીની જહાજોની સંખ્યા જોતાં પોર્ટ ફી લગાવવાથી અમેરિકા ફાયદામાં હતું. હવે જ્યારે આ ફી સસ્પેન્ડ કરી દેવામાં આવી છે, ત્યારે અમેરિકામાં વિપક્ષ અને ટ્રેડ યુનિયનો નારાજ છે.
એક તરફ જ્યાં જહાજ માલિકોનું માનવું છે કે આ પગલાથી ખર્ચ ઘટાડવામાં અને વેપારને વેગ આપવામાં મદદ મળશે, પરંતુ ટ્રેડ યુનિયનો ચેતવણી આપે છે કે તેનાથી અમેરિકાની દરિયાઈ શક્તિ નબળી પડશે અને ચીનને ખોટો મેસેજ જશે. તેમનું કહેવું છે કે, આ ટ્રમ્પ વહીવટીતંત્રની ચીનને જવાબદાર ઠેરવનારા નિવેદનની વિપરીત છે.
જૂન સુધી યુએસ નેવી સેક્રેટરી જોન ફેલાનના વ્યૂહાત્મક સલાહકાર રહેલા દરિયાઈ બાબતોના નિષ્ણાત હન્ટર સ્ટાયર્સે સોમવારે સોશિયલ મીડિયા પર યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ ​​(USTR) ઑફિસને મોકલેલી પોતાની ટિપ્પણીમાં આ સસ્પેન્શનને 'એક ગંભીર વ્યૂહાત્મક ભૂલ' ગણાવી હતી.

 

(7:04 PM IST)