<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st November 2025

આફ્રિકાના વન્યજીવનની ઉર્જામાં થયો એક તૃતીયાંશનો ઘટાડો

આફ્રિકાની ઇકોસિસ્ટમ્સ તેમની કુદરતી 'ઊર્જા'ના ત્રીજા કરતાં વધુ ભાગ ગુમાવી ચૂકી છે: આફ્રિકા ખંડના પર્યાવરણમાંથી મોટા પ્રાણીઓની વસ્તી ઘટવાથી ખંડની જૈવિક ઊર્જાના પ્રવાહમાં ભારે કમી આવી છે:આ મુદ્દો વૈશ્વિક સ્તરે ચિંતા ઉપજાવે એવો છે

નવી દિલ્હી: આબોહવા પરિવર્તનને મર્યાદિત કરવા માટેના વિચાર-વિમર્શ કરવાના હેતુસર COP (કોન્ફરન્સ ઓફ ધ પાર્ટીઝ)ની 30મી વાર્ષિક બેઠક ‘COP30’ આ જ મહિનામાં બ્રાઝિલમાં યોજાવા જઈ રહી છે. (COPમાં જોડાયેલા 200 દેશોને પાર્ટીઝ કહેવામાં આવે છે). આવા માહોલમાં ઓક્સફોર્ડ યુનિવર્સિટીના નેતૃત્વમાં થયેલા એક નવા અભ્યાસ દ્વારા જાણવામાં આવ્યું છે કે, આફ્રિકાની ઇકોસિસ્ટમ્સ તેમની કુદરતી 'ઊર્જા'ના ત્રીજા કરતાં વધુ ભાગ ગુમાવી ચૂકી છે! 

'નેચર' જર્નલમાં પ્રકાશિત થયેલું ‘ઇકોસિસ્ટમ એનર્જેટિક્સ’ બાબતનું આ સંશોધન દર્શાવે છે કે આફ્રિકા ખંડના પર્યાવરણમાંથી મોટા પ્રાણીઓની વસ્તી ઘટવાથી ખંડની જૈવિક ઊર્જાના પ્રવાહમાં ભારે કમી આવી છે. આ મુદ્દો વૈશ્વિક સ્તરે ચિંતા ઉપજાવે એવો છે.

‘ઇકોસિસ્ટમ એનર્જેટિક્સ’ (ઇકોસિસ્ટમ્સનું ઊર્જાશાસ્ત્ર)એ જીવનના પ્રવાહને સમજવાની નવી વૈજ્ઞાનિક પદ્ધતિ છે. આ પદ્ધતિ ખાદ્યશૃંખલામાંથી પસાર થતી ઊર્જાના પ્રવાહને માપે છે. છોડ સૂર્યપ્રકાશની મદદથી ખોરાક બનાવે અને ફૂલેફાલે, એ ખાઈને શાકાહારી જીવો વિકસે અને એવા જીવોનું ભક્ષણ માંસાહારી જીવો કરે. પર્યાવરણમાં આ આહારશૃંખલા સતત ચાલતી રહે છે. છોડમાંથી શાકાહારી પ્રાણીઓમાં અને ત્યાંથી માંસાહારી પ્રાણીઓમાં ઊર્જા કેવી રીતે વહે છે, એનો અભ્યાસ તે ઇકોસિસ્ટમ એનર્જેટિક્સ. આ ઊર્જા રૂપકાત્મક નથી, પણ ઇકોસિસ્ટમ્સનું વાસ્તવિક ચાલકબળ છે, જે એક જીવમાંથી બીજા જીવમાં પસાર થતાં પોષક તત્વોના ચક્ર, બીજના વહન અને પાણીના સંચય જેવી મહત્ત્વપૂર્ણ ક્રિયાઓ ચલાવે છે. વિવિધ ઈકોસિસ્ટમમાં એના જીવ-ઘટકો અલગઅલગ હોય છે. જેમ કે, ગીચ જંગલમાં વસતા જીવોની આહારશૃંખલા અલગ હોય, દરિયાના ખારા પાણીમાં આહારશૃંખલા અલગ હોય અને નદી-તળાવની આહારશૃંખલા પણ અલગ હોય. ઓક્સફોર્ડની ટીમે સમગ્ર આફ્રિકા ખંડના 3,17,000થી વધુ સ્થળોએ વસતી 3,000થી વધુ પ્રજાતિઓના જીવન અને આહાર સંબંધિત ડેટાનું વિશ્લેષણ કરીને ત્યાંની ‘ઇકોસિસ્ટમ્સનું ઊર્જાશાસ્ત્ર’ તૈયાર કર્યું છે, જેના તારણો ચોંકાવનારા અને ચિંતાજનક છે. 

 

 

(6:51 PM IST)