<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st October 2025

ગજબ કહેવાયઃ એક જ પરિવારના ૧૧ લોકોને મોતની સજા

ગુનો એવો કે ભલભલાને પરસેવો છૂટી જાય ૫ને મોતની સજા પણ બે વર્ષનો સમય આપ્‍યોઃ બાકીનાને ૫થી ૨૪ વર્ષ સુધીની જેલની સજા

બીજીંગ તા.૧: શું તમે કોઈ એવી સજા વિશે સાંભળ્‍યું છે, જેના પરિવારના ૧૧ સભ્‍યોને મોતની સજા સંભળાવવામાં આવી હોય. જી હા, ચીનના એક પરિવારના ૧૧ લોકોને મોતની સજા સંભળાવવામાં આવી છે, પણ આવું કેમ થયું, આવો જાણીએ. ચોક્કસપણે તમે અંદાજ તો લગાવી જ લીધો હશે કે આટલી મોટી સજા પાછળ જરૂર કોઈ ભયાનક ગુનો હશે.

તો કહાની શરૂ થાય છે, લૌકાઈંગ, જે એક સમયે સાધારણ એવું ફળિયું હતું. અહીંની દુનિયાના માલિક હતા મ્‍યાનમારના મિંગ પરિવાર. તેમનું સામ્રાજ્‍ય એટલું મોટું હતું કે ચીન પણ હચમચી ગયું. મિંગ પરિવારે ૨૦૧૫થી આ નાના ફળિયા સાથે જોડાયેલા અડ્ડા, ડ્રગ્‍સનો કારોબાર અને ફ્રોડના મોટા મોટા સેન્‍ટર ખોલ્‍યા. આ સેન્‍ટરોમાં હજારો લોકો બંધ કરી દેવામાં આવતા હતા. બહારથી તેમને નોકરીની લાલચ આપવામાં આવતી અને અંદર તેમની સાથે ઓનલાઈન ફ્રોડના કામ કરાવતા હતા. કામ કરવાની ના પાડે અથવા ભાગવાની કોશિશ કરતા તેમની સાથે મારપીટ કરવામાં આવતી. ઘણી વાર તો જાનથી પણ મારી નાખતા હતા.

એટલું જ નહીં, કહેવાય છે કે એકલા મિંગ પરિવાર પાસે આવા ૧૦ હજારથી વધારે લોકો કેદ હતા. મિંગ પરિવાર મ્‍યાનમારના શાન પ્રાંતના સૌથી શક્‍તિશાળી ખાનદાન ગણાતું. તેઓ એ ચાર પરિવારોમાં સામેલ હતા, જેમણે લુક્કાઈંગને ક્રાઈમનો ગઢ બનાવી દીધો. ચીનમાં જુગાર ગેરકાનૂની છે, પણ આ પરિવાર ગેરકાયદેસર રીતે ભલે, પણ લુક્કાઈંગ પર કેસિનો ઊભા કર્યા. ધીમે ધીમે મિંગ પરિવારે તેને અબજોની કમાણી કરવાનો રસ્‍તો બનાવી લીધો.

ચીની કોર્ટ અનુસાર, ૨૦૧૫થી લઈને અત્‍યાર સુધી મિંગ પરિવારે જુગાર, ક્રાઈમ, ડ્રગ્‍સ અને વેશ્‍યાવૃત્તિ જેવા ધંધામાંથી ૧૦ અબજ યુઆન (લગભગ ૧.૪ અબજ ડોલર)ની કમાણી કરી. જો કે ધીમે ધીમે આ ગંદા ખેલની ગંધ ચીન સુધી પહોંચવા લાગી. હજારો ચીની નાગરિક આ ટોળકીનો શિકાર થઈ રહ્યા હતા. સંયુક્‍ત રાષ્ટ્રે તો તેને સ્‍કેમડેમિક નામ આપ્‍યું. એટલે કે આ મહામારી જેવી ગુનાહિત ટોળકી, જેમાં ૧૦૦,૦૦૦થી વધારે વિદેશી નાગરિકો ફસાયા હતા.

પછી ૨૦૨૩માં સ્‍થિતિ બદલાવા લાગી, મિંગ પરિવારનું આ કાળું સામ્રાજ્‍ય લાંબા સમય સુધી ચાલ્‍યું નહીં, બે વર્ષ પહેલા મ્‍યાનમારના શાન પ્રાંતમાં વિદ્રોહી સમૂહોના એક ગ્રુપે સૈન્‍ય બળ વિરુદ્ધ હુમલો કર્યો અને લૌકાઈંગ પર કબજો કરી લીધો. આ હુમલામાં મિંગ પરિવારના વડા-મિંગ શ્વેંચાગે આત્‍મહત્‍યા કરી લીધી. તો વળી બાકી પરિવારના સભ્‍યોને પકડી ચીની અધિકારીઓને સોંપી દીધા. સાથે જ હજારો સ્‍કેમ સેન્‍ટર કર્મચારીઓને પણ ચીની પોલીસને સોંપી દીધા.

પછી તો શું ૨૯ સપ્‍ટેમ્‍બર ૨૦૨૫ના રોજ ચીનના વેંઝોઉ શહેરની કોર્ટે ઐતિહાસિક નિર્ણય સંભળાવ્‍યો. કુલ ૩૯ લોકોને સજા મળી. ૧૧ લોકોને ડાયરેક્‍ટ મોતની સજા, ૫ને મોતની સજા પણ બે વર્ષનો સમય આપ્‍યો

બાકીનાને ૫થી ૨૪ વર્ષ સુધીની જેલની સજા. કોર્ટે સ્‍પષ્ટ કહ્યું કે મિંગ પરિવાર ખાલી ગુનો જ નહીં, પણ નિર્દોષ લોકોના મોતનું જવાબદાર પણ છે, એટલા માટે તેને ઐતિહાસિક સજા સંભળાવવામાં આવી.(૩૮.૬)

(9:55 AM IST)