<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th September 2025

ઇંડોનેશિયામાં એક ઇસ્લામિક શાળાની ઇમારત ધરાશાયી થતા 65 વિદ્યાર્થીઓ દટાયા હોવાની આશંકા

દુર્ઘટનામાં એક વિદ્યાર્થીનું મૃત્યુ:ડઝનથી વધુ વિદ્યાર્થીઓ ઘાયલ થયા:મોટા ભાગે વિદ્યાર્થીઓની ઉમર 12થી 17 વર્ષની હોવાનું અનુમાન

નવી દિલ્હી: ઇન્ડોનેશિયામાં એક ઇસ્લામિક સ્કૂલની ઇમારત ધરાશાયી થઈ ગઈ છે. APના રિપોર્ટ મુજબ, કાટમાળ નીચે ઓછામાં ઓછા 65 વિદ્યાર્થીઓ દટાયેલા હોવાની આશંકા છે.

અધિકારીઓએ જણાવ્યું કે, આ નિર્માણાધીન ઇમારત 29 સપ્ટેમ્બર, 2025 સોમવારના રોજ જ્યારે ડઝનબંધ વિદ્યાર્થીઓ નમાઝ પઢી રહ્યા હતા, ત્યારે તેમના પર તૂટી પડી. આ દુર્ઘટનામાં એક વિદ્યાર્થીનું મૃત્યુ થયું, ડઝનબંધ ઘાયલ થયા અને ઘણા વિદ્યાર્થીઓ કાટમાળમાં ફસાયા છે. આ વિદ્યાર્થીઓની ઉંમર મોટે ભાગે 12 થી 17 વર્ષની વચ્ચે હોવાનું કહેવાય છે.

ઇમારત તૂટી પડ્યા બાદ તરત જ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ છવાઈ ગયો હતો. વાલીઓ અને સગાં-સંબંધીઓ તેમના બાળકોની સલામતીની દુઆઓ કરવા માટે સ્કૂલ કેમ્પસ અને હોસ્પિટલોમાં મોટી સંખ્યામાં એકઠા થયા હતા.

નોંધનીય છે કે, કમાન્ડ પોસ્ટ પર લગાવેલા નોટિસ બોર્ડ મુજબ 65 જેટલા વિદ્યાર્થીઓ હજુ પણ લાપતા છે. પોતાના સંતાનનું નામ ગુમ થયેલાની યાદીમાં જોઈને અનેક વાલીઓ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા

બચાવકર્મીઓ, પોલીસ અને સૈનિકોએ રાતભર રાહત અભિયાન ચલાવીને અત્યાર સુધીમાં 8 ઘાયલ વિદ્યાર્થીઓને બહાર કાઢ્યા છે. રેસ્ક્યૂ ટીમ દટાયેલા વિદ્યાર્થીઓ જીવિત રહી શકે તે માટે તેમના સુધી ઓક્સિજન સિલિન્ડર અને પાણીની બોટલો પહોંચાડવાનો પ્રયાસ કરી રહી છે.

(5:45 PM IST)