<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th September 2025

બ્રિટનમાં ગેરકાયદે વસાહતીઓ સામે લાખો અંગ્રેજો રસ્તા પર આવ્યા

ગેરકાયદે વસાહતીઓના દેશનિકાલની માંગ કરતા એક લાખ વસાહતીઓ વિરુદ્ધ દેખાવો કરવામાં આવ્યો:બંને સમર્થકો આવ્યા આમને સામને

નવી દિલ્હી: દુનિયામાં શ્વેત અને અશ્વેત વિશેષરૂપે વસાહતીઓ વિરુદ્ધ ગજગ્રાહ વધી રહ્યો છે. અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં ગેરકાયદે વસાહતીઓ વિરુદ્ધ દેખાવો થયા પછી હવે બ્રિટનની રાજધાની લંડનમાં ગેરકાયદે વસાહતીઓને દેશનિકાલની માગ કરતા એક લાખ કરતાં વધુ લોકોએ દેખાવો કર્યા હતા. બ્રિટનના કટ્ટર જમણેરી નેતા ટોમી રોબિન્સનના નેતૃત્વમાં 'યુનાઈટેટ ધ કિંગ્ડમ' બેનર હેઠળ લંડનના વ્હાઈટ હોલ ક્ષેત્રમાં વિશાળ રેલી યોજાઈ હતી, જે સંસદ ભવન નજીક ખતમ થઈ હતી. બીજીબાજુ આ જ સ્થળે 'રંગભેદ', 'ફાસીવાદ' વિરુદ્ધ કાઉન્ટર રેલી યોજાઈ હતી. જેથી બંને સમર્થકો આમને-સામને આવી ગયા હતા.
બ્રિટિશ સંસદ ભંગ કરવા, સ્ટાર્મર સરકાર બદલવાની માગ કરતા ઈલોન મસ્કે કહ્યું, સ્થાનિક લોકોએ લડવું અથવા મરવું પડશે
બ્રિટનના વિવાદાસ્પદ કટ્ટરવાદી જમણેરી નેતા ટોમી રોબિન્સને શનિવારે વિશાળ રેલીનું આયોજન કર્યું હતું, જેમાં એક લાખથી વધુ લોકો યુરોપીયન અને બ્રિટિઝ ઝંડા તથા સેન્ટ જ્યોર્જ ક્રોસ સાથે દેખાવો કર્યા હતા. તેમણે અમને અમારો દેશ પાછો જોઈએ છે, ગેરકાયદે વસાહતીઓને દેશનિકાલ કરો જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમણે ઈસ્લામ વિરોધી સૂત્રોચ્ચાર પણ કર્યો હતો. આ રેલી યોજનાર ટોમી રોબિન્સનને આ વર્ષે જ જેલમાંથી છોડાયા હતા.
ટોમી રોબિન્સનની રેલીના વિરોધમાં 'સ્ટેન્ડ અપ ટુ રેસિઝમ' નામના એક જૂથે પણ કાઉન્ટર રેલી યોજી હતી. બંને રેલીના સમર્થકોને આમને-સામને આવતા રોકવા મેટ્રોપોલિટન પોલીસે સમગ્ર લંડનમાં ૧,૬૦૦થી પોલીસ કર્મચારીઓને તૈનાત કર્યા હતા. દિવસ દરમિયાન મોટાભાગે શાંતિપૂર્ણ દેખાવો થયા હતા. પરંતુ બપોર પછી અચાનક કટ્ટરવાદી સમર્થકોના નાના જૂથે પોલીસ કર્મચારીઓ સાથે મારામારી કરી હતી અને તેમના પર બોટલો ફેંકી હતી, જેના પગલે ૨૬ પોલીસ કર્મચારીઓને ઈજા પહોંચી હતી. પોલીસે હેટ ક્રાઈમ અને હુમલા અંગે ૨૫ દેખાવકારોની ધરપકડ કરી હતી અને અનેક લોકોની ઓળખ કરી હતી, જેમને ઘર્ષણ બદલ જવાબદાર ઠેરવવામાં આવશે.

 

 

(6:37 PM IST)