<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th September 2025

ઓએમજી.....20 હજાર લોકોએ રાતોરાત છોડી દીધું ગાઝા

ઇઝરાયલ સૌથી મોટો હુમલો કરે તેવો લોકોમાં ભય:અનેકના મૃત્યુના સમાચાર:કતારમાં 50 મુસ્લિમ દેશના નેતાઓ વચ્ચે બેઠક ચાલી

નવી દિલ્હી:  કતારમાં 50 મુસ્લિમ દેશના નેતાઓ વચ્ચે બેઠક ચાલી રહી છે. આ બેઠક વચ્ચે ઈઝરાયલ ગાઝા પર સતત હુમલાઓ કરી રહ્યું છે. આ હુમલાના ભયમાં ગઈકાલે રાત્રે આશરે 20,000 લોકોએ ગાઝામાંથી પલાયન કર્યું હતું. મોટી સંખ્યામાં લોકો પોતાના બિસ્તરાં-પોટલા બાંધી દેશ છોડી રહ્યા છે. કોઈ પગપાળા, તો કોઈ ગાડીમાં સામાન ભરી પલાયન કરી રહ્યા છે. ઈઝરાયલે ગાઝામાં પોતાના સૈનિકોની સંખ્યા વધારી દીધી છે. તે હવે જમીન પરથી હુમલા કરવાની તૈયારી કરી રહ્યું છે.
ઈઝરાયલે આજે સવારે કરેલા હુમલામાં ગાઝાના 28 લોકો માર્યા ગયા છે. ઈઝરાયલના આ હુમલાઓના કારણે ગાઝામાં ભયનો માહોલ વધ્યો છે. વધુમાં નજીકના ભવિષ્યમાં હમાસ અને ઈઝરાયલ વચ્ચે સીઝફાયરની કોઈ અપેક્ષા જોવા ન મળતાં ગાઝાવાસીઓ ભયભીત બન્યા છે. ઈઝરાયલે કતારમાં પણ હુમલો કરી દેતાં સ્થિતિ વધુ વણસી છે. વધુમાં ઈઝરાયલે ગાઝાવાસીઓને સ્થળ ખાલી કરવા અલ્ટીમેટમ આપ્યું હોવાથી મોટો હુમલો થવાનો ફફડાટ વધ્યો છે.
ઈઝરાયલ હમાસમાં એક-પછી-એક હુમલા કરી રહ્યું છે. ગાઝાના લોકો માટે ભોજન પ્રદાન કરતા કેમ્પને પણ નષ્ટ કર્યા છે. તેની આ અડોડાઈને ધ્યાનમાં લેતાં દોહામાં ઈઝરાયલ વિરૂદ્ધ પ્રસ્તાવ રજૂ કરવાની વિચારણા થઈ રહી છે. તદુપરાંત મુસ્લિમ દેશોની એકતા પણ આ મંચ પરથી વિશ્વ સુધી પહોંચાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. પરંતુ ઈઝરાયલ ટસનું મસ થઈ રહ્યું નથી. ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂએ કહ્યું હતું કે, તે ગાઝામાં સક્રિય એક-એક આતંકવાદીનો ખાતમો બોલાવશે. ગાઝામાં રહેતાં લોકોને અહીંથી નીકળી જવા એલર્ટ આપ્યું છે.

 

(6:37 PM IST)