તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 9th September 2025
ઘટતી જતી વસ્તીથી ચિંતિત યુરોપના આ દેશમાં પીએમએ કરી અનોખી જાહેરાત
ચાર બાળકો પેદા કરે તો ટેક્સ નહીં ભરવો પડે:અંદાજે 1.6અબજ યુરો પેકેજની કરવામાં આવી જાહેરાત:નવી નીતિઓની પણ જાહેરાત કરાઈ

નવી દિલ્હી : વસ્તી ઘટવાની સમસ્યાથી પરેશાન દક્ષિણ-પૂર્વ યુરોપના દેશ ગ્રીસે વસ્તી વધારવાના હેતુથી 1.6 અબજ યુરો એટલે કે લગભગ 16,563 કરોડ રૂપિયા)ના પેકેજની જાહેરાત કરી છે. રવિવારે આ નવી નીતિઓની જાહેરાત કરતા, વડાપ્રધાન કિરિયાકોસ મિત્સોતાકિસે જણાવ્યું કે, 'આ રાહત પેકેજ દેશની સૌથી મોટી સમસ્યા એટલે કે ઘટતી વસ્તીને પહોંચી વળવા માટે તૈયાર કરવામાં આવ્યું છે. આ પેકેજમાં વધુ બાળકો પેદા કરવા માટે લોકોને પ્રોત્સાહિત કરવા ટેક્સમાં છૂટ અને અન્ય પગલાં સામેલ છે.'પ્રજનન દર ઘટવાના કારણે ગ્રીસ યુરોપનો સૌથી વૃદ્ધ દેશ બનવા તરફ આગળ વધી રહ્યો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ગ્રીસ સરકારે વસ્તી વધારવાના હેતુથી નવા નિયમોની જાહેરાત કરી છે. 2026થી લાગુ થનાર આ નિયમો મુજબ, જે પરિવારોમાં ચાર બાળકો હશે તેમને ટેક્સમાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવશે. આ ઉપરાંત, જે વસાહતોની વસ્તી 1500 કરતાં ઓછી છે ત્યાંના લોકોને પણ અન્ય ટેક્સમાંથી છૂટ મળશે, જેનો ખર્ચ સરકાર પોતાના રાજકોષમાંથી ભોગવશે.
વડાપ્રધાન કિરિયાકોસ મિત્સોતાકિસના જણાવ્યા અનુસાર, 'જો તમને કોઈ બાળક ન હોય તો જીવનનિર્વાહનો ખર્ચ ઓછો હોય છે, પરંતુ જો તમારા બે કે ત્રણ બાળકો હોય તો તે વધી જાય છે. આ કારણોસર, એક દેશ તરીકે આપણે એવા નાગરિકોને પુરસ્કૃત કરવાનો માર્ગ શોધવો જોઈએ, જેઓ વધુ બાળકો પેદા કરવાનું પસંદ કરે છે.'
વડાપ્રધાન મિત્સોતાકિસે કહ્યું કે, 'નવા પગલાં હેઠળ દરેક વર્ગને 2% ટેક્સ કટનો લાભ મળશે. જોકે, ચાર બાળકોવાળા ઓછી આવકના પરિવારોને 'ઝીરો ટેક્સ' નીતિનો ફાયદો થશે. આ નવા કર લાભો 2026થી લાગુ થશે. આ પેકેજને તેમણે ગ્રીસમાં છેલ્લા 50 વર્ષથી વધુ સમયમાં લાગુ થયેલો સૌથી સાહસિક કર સુધારણા કાર્યક્રમ ગણાવ્યો છે. આ નીતિઓ વસ્તીની સમસ્યાનો ઉકેલ લાવવા માટે દક્ષિણપંથી સરકાર દ્વારા લેવાયેલ અન્ય પહેલ પર આધારિત છે.
(5:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
