<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th August 2025

કેલિફોર્નિયામાં વિદ્યાર્થીઓ પર જાતિય અત્‍યાચાર બદલ શિક્ષકને ૨૧૫ વર્ષની કેદ

શિક્ષક પાસેથી વાંધાજનક વિડિયો અને તસવીરોનો જથ્‍થો મળ્‍યો સ્‍કૂલના બ્રોડકાસ્‍ટ રૂમને વિલ્‍સને પોતાના ખાનગી ટોર્ચરરૂમમાં ફેરવી નાંખી જાતીય અત્‍યાચારો આચર્યા

કેલિફોર્નિયા, તા.૨૭: શાળા એટલે એક પ્રકારની જેલ તેમ દુનિયાભરના બાળકો માને છે પણ અમેરિકાના એક શિક્ષકે તો તેને પોતાના અત્‍યાચારો દ્વારા દોઝખ બનાવી મુકી હતી. ૬૪ વર્ષના પ્રાથમિક શાળાના શિક્ષક કેનેથ વિલ્‍સનને પોતાના વિદ્યાર્થીઓ સાથે દાયકાઓ સુધી યૌન અત્‍યાચાર કરવાના ગુનાસર અદાલતે ૨૧૫ વર્ષની કેદની સજા ફરમાવી હતી. ૨૦૨૩માં વિલ્‍સનના ગુનાની પોલ ખૂલી હતી અને તેની પાસેથી મોટી સંખ્‍યામાં વાંધાજનક તસવીરો અને વિડિયો મળી આવ્‍યા હતા.

સ્‍કૂલમાં ભણાવતાં વિલ્‍સનને ઓડિયોવિડિયો કલબનો હેડ બનાવવામાં આવ્‍યો હોઈ તે સાઉન્‍ડ પૂફ રૂમનો બેરોકટોક ઉપયોગ કરી તેનો ફાયદો ઉઠાવતો રહ્યો હતો. આ રૂમમાંથી અવાજ બહાર ન જતો હોઈ તેણે છ-સાત વર્ષની બાળકીઓ સાથે પણ મોં કાળું કર્યું હતું. તે તેની વાત ન માનનારાં બાળકોની મારપીટ પણ કરતો હતો. સ્‍કૂલમાં જ નહીં વિલ્‍સન પોતાના ઘરે પ્રાઈવેટ પાર્ટીઓ યોજી તેમાં બાળકોને તેની હવસનો શિકાર બનાવતો હતો. ૨૦૨૩માં તેના ઘર પર દરોડો પાડી મોટી સંખ્‍યામાં વાંધાજનક તસવીરો અને વિડિયો જપ્‍ત કરવામાં આવ્‍યા હતા.

સ્‍કૂલના બ્રોડકાસ્‍ટ રૂમને વિલ્‍સને પોતાના ટોર્ચર રૂમમાં ફેરવી નાંખ્‍યો હતો. આ રૂમને અંદરથી બંધ કરી તે બાળકો પર અત્‍યાચાર કરતો હતો. આ રૂમમાં જ તે બાળકોની વાંધાજનક તસવીરો પાડતો અને વિડિયો બનાવતો હતો. આヘર્યની વાત એ છે કે આટલાં વર્ષોમાં સ્‍કૂલના વહીવટીતંત્રને કે પોલીસને તેની જાણ સુદ્ધાં નહોતી થઈ. અમેરિકન અદાલતે કીમ કેનેથ વિલ્‍સનને તેના ૩૬ ગુનાઓમાં કસુરવાર ઠેરવી તેને ૨૧૫ વર્ષની કેદની સજા ફટકારી છે. તે જીવનના છેલ્‍લા શ્વાસ સુધી જેલમાં જ રહે તેવી વ્‍યવસ્‍થા કરવા જણાવાયું છે.(૪૦.૬)

(9:58 AM IST)