<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th August 2025

તાજેતરમાં અમેરિકામાં H.R 2315 નામનું એક બિલ રજૂ કરવામાં આવ્યું

ઓપીટીને ખતમ કરી દેવામા આવશે:નોકરીઓ માત્ર અમેરિકન વિદ્યાર્થીઓને જ મળશે:સૌથી વધુ અસર થશે ભારતીય વિદ્યાર્થીઓ પર

નવી દિલ્હી: હાલમાં જ અમેરિકામાં H.R 2315 નામનું એક બિલ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં કહેવામાં આવ્યું હતું કે, OPT(Optional Practical Training)ને ખતમ કરી દેવામાં આવશે, જેથી નોકરીઓ વિદેશી નહીં પરંતુ અમેરિકન વિદ્યાર્થીઓને જ મળે. જો OPT પર રોક લગાવવામાં આવશે તો સૌથી વધુ અસર ભારતીય વિદ્યાર્થીઓ પર થશે. દર વર્ષે ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકામાં અભ્યાસ માટે જાય છે. જોકે, તેમની સૌથી મોટી આશા હોય છે કે, અભ્યાસ બાદ તેમને થોડો સમય ત્યાં કામ કરવાનો અનુભવ મળે અને કમાણી કરી શકે. જો OPT પર પ્રતિબંધ લાદવામાં આવશે તો અભ્યાસ પૂરો થતાંની સાથે જ તેમને પરત ફરવું પડશે. 

OPT એક પ્રોગ્રામ છે, જે અમેરિકન સિટિઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસ (USCIS) દ્વારા કરવામાં આવે છે. જે હેઠળ અમેરિકામાં અભ્યાસ કરનાર વિદેશી વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસ બાદ 1થી 3 વર્ષ સુધી અમેરિકામાં નોકરી કરી શકે છે. મોટાભાગના એન્જિનિયર, આઇટી અને મેનેજમેન્ટનો અભ્યાસ કરનારા ભારતીય વિદ્યાર્થીઓ તેનો લાભ ઉઠાવે છે. આ બિલ OPTને ખતમ કરવાનો પ્રયાસ કરે છે અને તેનો હેતુ અમેરિકન વિદ્યાર્થીઓને પ્રાથમિકતા આપવાનો છે. આ બિલ અનુસાર, OPT ખતમ કરીને નોકરીના રસ્તા ફક્ત અમેરિકન યુવાઓ માટે ખુલ્લા રહે. અમુક અમેરિકન નેતા અને સંગઠનનું એવું માનવું છે કે, OPTના કારણે અમેરિકન યુવાઓની નોકરીઓ છીનવાઈ રહી છે. 

નોંધનીય છે કે, અમેરિકામાં હજુ ફક્ત બિલ જ રજૂ કરવામાં આવ્યું છે, તેને પાસ કરવામાં નથી આવ્યું. OPTને સંપૂર્ણ રીતે ખતમ કરવું સરળ નથી, કારણ કે આજના સમયે લાખો વિદેશી વિદ્યાર્થીઓ અમેરિકામાં અભ્યાસ કરે છે અને તેમની ફીથી યુનિવર્સિટીઓ ચાલે છે. મોટી ટેક કંપની (જેમ કે, Google, Microsoft) પણ OPT વિદ્યાર્થીઓને નોકરી આપે છે. જો OPT ખતમ થયું તો અમેરિકા આવતાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી શકે છે. 

દર વર્ષે ભારતમાંથી લાખો વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દીના ગ્રોથ માટે અમેરિકા અભ્યાસ માટે જાય છે. તેમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓની નોકરી OPT દ્વારા લાગે છે. જો OPT પર પ્રતિબંધ લગાવી દેવામાં આવે તો ભારતીય વિદ્યાર્થીઓને નોકરી મળવામાં અનેક મુશ્કેલી પડશે અને બની શકે કે તેમને ભારત પરત આવવું પડે. 

 

(6:34 PM IST)