News of Wednesday, 13th August 2025
અમેરિકાની જેલોમાં બંધ ઈલીગલ ઈમિગ્રન્ટ્સની સંખ્યા ૬૦ હજારને પાર
વીસ વર્ષમાં પહેલીવાર આઈસીઈની કસ્ટડીમાં રહેલા કેદીઓની સંખ્યા ૬૦ હજારને પાર કરી ગઈઃ ડિટેન્શન કેપેસિટી એક લાખ સુધી પહોંચાડવાનો છે એજન્સીનો પ્લાન

વોશીંગ્ટન,તા.૧૩: ઓગસ્ટ ૧૧ના રોજ અમેરિકામાં આઈસીઈની જેલોમાં બંધ ઈલીગલ ઈમિગ્રન્ટ્સની સંખ્યા એક નવા જ રેકોર્ડબ્રેક સ્તર પર પહોંચી ગઈ છે. ટ્રમ્પ પ્રેસિડેન્ટ બન્યા ત્યારે આઈસીઈની જેલોમાં ૩૯,૦૦૦ જેટલા કેદીઓ હતા, જેમની સંખ્યા હવે વધીને ૬૦,૦૦૦ને પાર પહોંચી છે. અમેરિકામાં આટલી મોટી સંખ્યામાં ઈલીગલ ઈમિગ્રન્ટ્સ ત્ઘ્ચ્ની કસ્ટડીમાં હોય તેવું પહેલીવાર બન્યું છે જેનું કારણ ટ્રમ્પ દ્વારા શરૂ કરાયેલું માસ ડિપોર્ટેશન અને તેના માટે આઈસીઈને અપાયેલો છૂટો દોર છે.
ઓગસ્ટ ૦૮થી ૧૧ના ગાળામાં જ આઈસીઈ દ્વારા ૧,૧૦૦ લોકોને મતલબ કે રોજના ૩૮૦ લોકોને ડિટેઈન કરવામાં આવ્યા હતા. આઈસીઈની ૨૦૦૩માં સ્થાપના થઈ ત્યારથી તેની કસ્ટડીમાં હોય તેવા લોકોની સંખ્યા સતત વધી રહી છે. ૨૦ વર્ષ પહેલા એજન્સીની કસ્ટડીમાં રોજના એવરેજ સાત હજાર લોકો રહેતા હતા તેવું અમેરિકન ઈમિગ્રેશન લોયર્સ અસોસિએશનના એક રિપોર્ટમાં જણાવાયું હતું, જોકે ટ્રમ્પની ફર્સ્ટ ટર્મ દરમિયાન આ આંકડામાં નાટકીય ઉછાળો આવ્યો હતો અને ૨૦૧૯માં આઈસીઈની જેલોમાં બંધ ઈલીગલ ઈમિગ્રન્ટ્સની સંખ્યા ૫૫,૬૫૪ પર પહોંચી ગઈ હતી.
જાન્યુઆરી ૨૦૨૫ સુધી એવી સ્થિતિ હતી કે આઈસીઈની જેલોમાં બંધ મોટાભાગનાં ઈમિગ્રન્ટ્સ બોર્ડર પરથી અરેસ્ટ થયેલા હતા અને તેમની ધરપકડ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન દ્વારા કરાઈ હતી, જ્યારે જાન્યુઆરી પછી આઈસીઈ દ્વારા અમેરિકાની અંદર કરાતી ઈમિગ્રેશન રેડ્સમાં અરેસ્ટ થતાં લોકોની સંખ્યા વધી રહી છે અને હાલ જે ૬૦ હજાર કેદીઓ આઈસીઈની કસ્ટડીમાં છે તેમાંના મોટાભાગના યુએસની અંદરથી પકડાયેલા છે.
ટ્રમ્પે સેકન્ડ ટર્મ દરમિયાન માસ ડિપોર્ટેશન તેમજ ઈલીગલ ઈમિગ્રન્ટ્સની ધરપકડ પર સૌથી વધુ ધ્યાન આપ્યું છે અને તેના માટે રિપબ્લિકન સ્ટેટ્સ દ્વારા તો આઈસીઈ વધુમાં વધુ ઈલીગલ ઈમિગ્રન્ટ્સને પકડી શકે તે સુનિヘતિ કરવા માટે લોકલ પોલીસને પણ ઈમિગ્રેશન એન્ફોર્સમેન્ટના કામમાં જોતરવામાં આવી રહ્યા છે.
હાલ ભલે આઈસીઈની જેલોમાં બંધ કેદીઓની સંખ્યા રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ હોય પરંતુ ટ્રમ્પના પ્લાન પ્રમાણે જોવા જઈએ તો આ આંકડો હજુય ઘણો જ ઓછો છે, કારણકે ટ્રમ્પ ૨૦૨૫માં એક મિલિયન લોકોને ડિપોર્ટ કરવા માગે છે અને જો હાલની ગતિએ જ આઈસીઈ કામ કરતી રહી તો આ ટાર્ગેટ અડધો પણ માંડ પૂરો થઈ શકશે.
આઈસીઈને માસ ડિપોર્ટેશન માટે પૂરતું ફંડ મળી રહે તે માટે કોંગ્રેસે તેનું બજેટ પણ ૮ બિલિયન ડોલરથી વધારીને સીધું ૨૮ બિલિયન ડોલર કરી દીધું છે.
(10:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
