<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th August 2025

પેસિફિક મહાસાગરમાં સંશોધન અભિયાન દરમ્યાન વિજ્ઞાનીઓને અનોખું જીવજગત મળી આવ્યું

સુર્યપ્રકાશનો અણસાર ન હોવા છતાં પણ જોવા મળ્યું જીવન:આવું જીવજગત મળી આવ્યા સહુ કોઈમાં અચરજ

નવી દિલ્હી: પેસિફિક મહાસાગરના એક અજાણ્યા અને પહેલાં ક્યારેય ન ખંખોળાયેલા ખૂણામાં કરવામાં આવેલ સંશોધન અભિયાન દરમિયાન વિજ્ઞાનીઓને એક અનોખું જીવજગત મળી આવ્યું છે. અહીં સૂર્યપ્રકાશનો અણસાર પણ ન હોવા છતાં જીવન એક સંપૂર્ણ ઇકોસિસ્ટમ સાથે પાંગર્યું છે. પૃથ્વી પર આવું જીવજગત મળી આવતાં વિજ્ઞાનીઓ હવે વિચારી રહ્યા છે કે શું પૃથ્વીની બહાર પણ આવું જીવન શક્ય હોઈ શકે? ઉત્તર પશ્ચિમ પેસિફિક મહાસાગરમાં ચાઇનીઝ એકેડેમી ઑફ સાયન્સની એક વિશેષ ટીમે સંશોધન અભિયાન આદર્યું હતું, જે દરમિયાન જાપાન અને અલાસ્કા વચ્ચે લગભગ 31000 ફૂટની ઊંડાઈએ તેમને સમુદ્રના તળિયે એવા જીવો મળી આવ્યા જેમણે ક્યારેય સૂર્યપ્રકાશ જોયો જ નથી. એવા જીવો જે પ્રકાશ વિના સંપૂર્ણ પોષણશ્રેણી વિકસાવી શકે છે. વાત અવિશ્વસનીય લાગે એવી છે. નેચર જર્નલમાં પ્રકાશિત અહેવાલ અનુસાર આ શોધ વૈજ્ઞાનિક સમુદાય માટે એક મોટું આશ્ચર્ય બની ગઈ છે.

જીવજગત માટે પ્રકાશ સંશ્લેષણ (ફોટોસિન્થેસિસ) અનિવાર્ય ગણાત છે, કેમ કે એ પદ્ધતિની મદદથી જ ખોરાક નિર્માણ થાય છે. એના માટે સૂર્યપ્રકાશ અને ઓક્સિજન જેવા તત્વોની હાજરી જરૂરી છે. જોકે, હાલમાં મળી આવેલા જીવજગતના સજીવો ફોટોસિન્થેસિસને બદલે કેમોસિન્થેસિસ નામની એક ખાસ પ્રક્રિયાથી પોષણ મેળવે છે. આ પ્રક્રિયા અંતર્ગત, સૂક્ષ્મ જીવો મિથેન અને હાઇડ્રોજન સલ્ફાઇડ જેવા રસાયણોને કાર્બનિક પદાર્થોમાં પરિવર્તિત કરે છે. એ રીતે સૂર્યપ્રકાશ વગર પણ ખાદ્યશૃંખલાનું સર્જન થાય છે. 

કેમોસિન્થેસિસ આધારિત જીવન પૃથ્વી પર આ પહેલાં ક્યારેય શોધાયું ન હતું. 31000 ફૂટ એટલે લગભગ 9500 મીટર! ટાઇટેનિક જહાજનો ભંગાર પેસિફિક મહાસાગરમાં 12500 ફૂટની ઊંડાઈએ પડ્યો છે, જ્યાં પહોંચવું અત્યંત અઘરું છે. તો વિચારો કે એના કરતાં અઢી ગણી ઊંડાઈએ સંશોધકો કઈ રીતે પહોંચ્યા હશે? 

સાગરતળિયે પાણીનું દબાણ એટલું વધારે હોય છે કે ભલભલી સમમરીન પણ અમુક ઊંડાઈએ ગયા પછી ભાંગીને ભુક્કો થઈ જાય. તેથી આ અભૂતપૂર્વ ઊંડો ખૂણો ખંખોળવા માટે વિજ્ઞાનીઓએ ‘ફેન્ડોઝેન’ નામના વિશિષ્ટ સબમર્સિબલ વ્હીકલનો સહારો લીધો હતો. સંશોધન દરમિયાન જે દૃશ્ય સામે આવ્યું હતું તે જાણે કોઈ કાલ્પનિક વિજ્ઞાન કથા જેવું હતું. માનવજાતે કદી ન જોયેલા જીવો, ટ્યુબવોર્મ્સ અને વિશાળ દરિયાઈ ગોકળગાયોની પુષ્કળ વસ્તી અંધકારભર્યા સાગરજળમાં વિકાસ પામી છે.

 

(5:56 PM IST)