<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th June 2025

અમેરિકામાં ગેરકાયદે ઘુસી રહેલ ઇમિગ્રન્ટ્સને કાઢવા ટ્રમ્પનું ડિપોર્ટેશન અભિયાન સતત ચાલુ

ફ્લોરિડા રાજ્યમાં વિશાળ ડિટેન્શન સેન્ટર બનાવી રહ્યું હોવાની માહિતી:આ સેન્ટરની આસપાસ છે હજારોની સંખ્યામાં મગરો:ખતરનાક પ્રાણીઓથી ઘેરાયેલ કિલ્લા જેવું છે આ સ્થળ

નવી દિલ્હી: અમેરિકામાં ગેરકાયદે રીતે ઘૂસેલા ઇમિગ્રન્ટ્સને હાંકી કાઢવાનું ડોનાલ્ડ ટ્રમ્પનું ડિપોર્ટેશન અભિયાન સતત ચાલુ જ છે. હવે અહેવાલો છે કે, ટ્રમ્પ સરકાર ફ્લોરિડા રાજ્યમાં એક વિશાળ ડિટેન્શન સેન્ટર બનાવી રહી છે, જે ત્યાંની વિષમ પરિસ્થિતિને લીધે ‘એલિગેટર અલ્કાટ્રાઝ’ નામે ચર્ચાને ચકડોળે છે. ચાલો, જાણીએ કે અમેરિકામાં વિરોધનો વંટોળ જગાવી રહેલું આ ડિટેન્શન સેન્ટર છે શું. ફ્લોરિડા રાજ્યના દક્ષિણે જમીનનો એક વિશાળ પટ ખાલી પડેલો છે. અહીં એક રન-વે છે જે પાયલટોને વિમાનના ટેકઓફ અને લેન્ડિંગ માટેની ટ્રેનિંગ આપવા માટે વપરાય છે. આ વિસ્તારનું વાતાવરણ ભેજવાળું છે, જમીન કળણવાળી છે અને એવી જમીનમાં રહે છે ખૂબ બધા મગરમચ્છ! હા, મગરમચ્છ. જેના કારણે આ વિસ્તાર ખૂબ જ ખતરનાક ગણાય છે. આવા, જીવનું જોખમ ધરાવતા સ્થળે અમેરિકન સરકાર મોટું ડિટેન્શન સેન્ટર બનાવવાની છે. એટલું મોટું કે એમાં લગભગ પાંચ હજાર અટકાયતીઓને રાખી શકાય.

તાજેતરમાં ફ્લોરિડાના એટર્ની જનરલ જેમ્સ ઉથમેઇઅર (James Uthmeier) દ્વારા X પર એક વીડિયો પોસ્ટ મૂકી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, ‘આ ડિટેન્શન કેન્દ્રમાં બહુ ઓછી સુવિધા અપાશે. અહીં સુરક્ષા વ્યવસ્થા પણ નામ માત્રની હશે. તેથી જો કોઈ ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ અહીંથી ભાગવાનો પ્રયાસ કરશે તો પણ તે સફળ નહીં થાય કારણ કે ડિટેન્શન સેન્ટરની આસપાસ સ્વેમ્પ (કળણ) અને તેમાં મગરો છે. આ ઉપરાંત ત્યાં અજગર અને ઝેરી સાપ પણ મોટી સંખ્યામાં છે. આ સેન્ટર ખતરનાક પ્રાણીઓથી ઘેરાયેલા કિલ્લા જેવું છે, જ્યાંથી બહાર નીકળતાની સાથે જ જીવ બચાવવો મુશ્કેલ બની જશે.’

અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં સાન ફ્રાન્સિસ્કો ખાડી છે. એ ખાડીમાં અલ્કાટ્રાઝ નામનો ટાપુ છે. એ ટાપુ પર 1934 માં એક જેલ બનાવાઈ હતી, જેનું નામ અલ્કાટ્રાઝ જેલ હતું. 1963માં બંધ કરી દેવાયેલી એ જેલ ચાલુ હતી, ત્યારે એની સુરક્ષા વ્યવસ્થા એટલી ચુસ્ત હતી કે ત્યાંથી ભાગવું કેદીઓ માટે લગભગ અશક્ય ગણાતું. એ જેલ વિશે અમેરિકામાં ઘણી ફિલ્મો પણ બની ચૂકી છે, જેમાં 1979માં રજૂ થયેલી ‘એસ્કેપ ફ્રોમ અલ્કાટ્રાઝ’ સૌથી જાણીતી છે. ટ્રમ્પ સરકારે એ જેલ જેવું જ દુર્ગમ અને ડરામણું સ્થળ પસંદ કરીને ફ્લોરિડામાં ડિટેન્શન સેન્ટર બનાવવાની શરૂઆત કરી છે, જેથી લોકો આ સેન્ટરની સરખામણી અલકાટ્રાઝ જેલ સાથે કરી રહ્યા છે. આ સેન્ટરની આસપાસનું કળણ મગરોથી ભરેલું છે. એક પ્રકારના મગરને અંગ્રેજીમાં એલિગેટર કહેવામાં આવે છે અને તેથી લોકોએ આ નવા ડિટેન્શન સેન્ટરને ‘એલિગેટર અલ્કાટ્રાઝ’ નામ આપી દીધું છે.

(7:12 PM IST)