<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th June 2025

વિશ્વના 51દેશોમાં છે અમેરિકન સેનાની હાજરી

ઈરાન-ઇઝરાયલ યુદ્ધમાં કૂદીને અમેરિકા પોતાની સૈન્ય શક્તિનો પરચો બતાવ્યો:દુનિયાના ઓછામાં ઓછા 51 દેશોમાં છે અમેરિકાના સૈન્યની હાજરી

નવી દિલ્હી: જગત જમાદાર અમેરિકાએ ઈઝરાયલ-ઈરાન યુદ્ધમાં કૂદીને પોતાની સૈન્યશક્તિનો પરચો બતાવવા માંડ્યો છે. અમેરિકા ઝડપથી આ યુદ્ધમાં સક્રીય થઈ શક્યું એનું કારણ છે મધ્ય પૂર્વના દેશોમાં એની કાયમી હાજરી. મધ્ય પૂર્વ જ શું કામ, દુનિયાના ઓછામાં ઓછા 51 દેશોમાં અમેરિકાના સૈન્યની હાજરી છે. અમેરિકાની ધરતી બહાર એના 128 લશ્કરી થાણાં છે! ચાલો જાણીએ કે અમેરિકાના મહત્ત્વપૂર્ણ લશ્કરી થાણાં ક્યાં ક્યાં આવેલા છે અને કયા કારણસર અમેરિકાની સેના બીજા દેશોમાં કાયમી અડ્ડો જમાવી દે છે.
બીજા વિશ્વયુદ્ધમાં જીત્યા પછી અમેરિકાને મહાસત્તા બનવાની ચાનક ચઢી. ફક્ત અમેરિકાની ભૂમિમાં રહીને વૈશ્વિક પ્રભાવ બનાવવો મુશ્કેલ હતું. પ્રતિસ્પર્ધીઓ પર બાજનજર રાખીને એમનાથી એક કદમ આગળ રહેવું હોય તો દુનિયાના વિવિધ ખૂણે હાજર રહેવું જરૂરી હતું. વિશ્વયુદ્ધ પછીના સમયમાં ઘણા દેશોની આર્થિક સ્થિતિ નબળી હતી. પડોશી દેશો ગમે ત્યારે હુમલો કરી દેશે એ પ્રકારની શંકાનું વાતાવરણ હતું. એવા દેશોએ પોતાની સુરક્ષા માટે અમેરિકાના સૈન્ય દળોને આવકાર્યા. ત્યારથી અમેરિકા એવા ગરજવાન દેશોમાં ઘર કરી ગયું. પછી એ યુરોપના દેશો હોય કે એશિયાના. સભ્ય દેશોને સંયુક્ત સુરક્ષા પ્રદાન કરવાના નામે અમેરિકાએ નાટો જેવું સંગઠન પણ સ્થાપ્યું અને નાટો દળોની આડમાં પોતાના સૈનિકોને વિવિધ દેશોમાં તહેનાત કરી દીધા. આતંકવાદને રોકવાને નામે અમેરિકા મધ્ય પૂર્વના દેશોમાં પ્રવેશ્યું હતું. ઈસ્લામિક સ્ટેટની નાબૂદી પછી, સીરિયા અને ઈરાક સહિત ઘણા દેશોમાં અમેરિકન દળો રહી પડ્યાં. આતંકીઓ સામે આડશ બનીને આવેલા એ જ દળો હવે ઈરાનને ધમરોળી રહ્યાં છે.

 

 

(5:35 PM IST)