<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd June 2025

બલુચિસ્તાનના સોરાબ શહેર પર બળવાખોર બલોચ આર્મીએ કબ્જો જમાવ્યો હોવાની માહિતી

નવી દિલ્હી: પાકિસ્તાનમાં બલુચિસ્તાનની આઝાદી માટે લડી રહેલ બલુચ લિબરેશન આર્મી (બીએલએ)એ સોરાબ શહેર પર કબજો કરી લીધો હોવાનો દાવો કર્યો છે. બલુચ આર્મીએ એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે અમે સોરાબ શહેરમાં બેન્કો, પોલીસ સ્ટેશનો સહિત મુખ્ય સરકારી કચેરીઓ પર કબજો કરી લીધો છે. આ સંપૂર્ણ શહેર હાલ અમારા નિયંત્રણમાં છે. શહેર પર કબજો કરવા માટે અમે ત્રણ કલાક સુધી ઓપરેશન ચલાવ્યું હતું. 
બીએલએના પ્રવક્તા ઝીયાંદ બલુચે મીડિયાને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે શહેર પર કબજો કરવા માટે ત્રણ કલાક સુધી ઓપરેશન ચાલ્યું હતું, આ દરમિયાન બીએલએના લડાકાઓએ શહેરના તમામ મહત્વના સ્થળો પર કબજો કરી લીધો હતો. સાથે જ શહેર સાથે જોડાયેલા તમામ રોડ પણ અમારા નિયંત્રણમાં છે. આ દરમિયાન લેવી પોલીસ સ્ટેશન, મુખ્ય પોલીસ સ્ટેશન, ડીસી ઓફિસ, ગેસ્ટ હાઉસ અને બેન્ક અમારા કબજામાં આવી ગયા. આ દરમિયાન કેટલાક પોલીસકર્મીઓને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. પાકિસ્તાન સરકાર અને સૈન્ય બલુચિસ્તાનના નાગરિકો પર સતત અત્યાચાર કરી રહી છે. બલુચિસ્તાનમાં વધુ પાંચ લોકોની હત્યા કરી દેવામાં આવી છે. એક સપ્તાહમાં આ હત્યાઓ કરાઇ હતી. જેના માટે બલોચ નેશનલ મૂવમેન્ટ (બીએનએમ) નામના માનવ અધિકાર સંગઠને પાકિસ્તાન સરકાર અને સૈન્યને જવાબદાર ઠેરવ્યું હતું. પાક. સૈન્ય બલુચિસ્તાનમાં હેથ સ્કોડ ચલાવી રહી છે. જેના દ્વારા આ હત્યાઓને અંજામ આપવામાં આવ્યો હતો.

 

(5:24 PM IST)