તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 30th May 2025
હવેથી આ નાનકડા પાડોશી દેશમાં પણ જોવા મળશે ડાયનાસોર

નવી દિલ્હી: ‘જુરાસિક પાર્ક’ એક એવી ફિલ્મ હતી જે આબાલ-વૃદ્ધ સૌ કોઈને પસંદ આવી હતી. આ ફિલ્મ પછી એની અનેક સિક્વલ પણ રિલીઝ થઈ. પ્રત્યેક ફિલ્મમાં માનવ વિરુદ્ધ ડાયનોસોરનો જંગ દેખાડાયો છે. સાડા છ કરોડ વર્ષ અગાઉ નામશેષ થઈ ગયેલા ડાયનોસોરને પુનઃજીવિત કરી શકાય કે કેમ, કરવા જોઈએ કે નહીં, એ બાબત પણ અવારનવાર ચર્ચાતી રહે છે. સાચુકલા ડાયનોસોર તો જીવતાં થાય કે નહીં, પણ લોકોના મનોરંજન માટે નકલી ડાયનોસોરના થીમ પાર્ક જરૂર બન્યા છે અને એવો એક જુરાસિક પાર્ક તાજેતરમાં સિંગાપોરમાં શરૂ થયો છે. 29 મે, 2025 ના રોજ સિંગાપોરમાં એશિયાનો પહેલો જુરાસિક પાર્ક શરૂ થયો છે. ‘જુરાસિક વર્લ્ડ: ધ એક્સપિરિયન્સ’ નામનું આ અદભુત આકર્ષણ ‘ગાર્ડન્સ બાય ધ બે’ ખાતે આવેલા ક્લાઉડ ફોરેસ્ટમાં બનાવાયું છે. લોકો આ પાર્કની મુલાકાત લેવા માટે પડાપડી કરી રહ્યા છે.
આ થીમ પાર્કનું મુખ્ય આકર્ષણ જીવંત લાગે એવા ડાયનોસોર છે. પાર્કમાં 10 અલગ-અલગ ઝોન બનાવાયા છે, જે જુદા જુદા પ્રકારના અનુભવો પ્રદાન કરે છે. અહીં પહાડો, ધોધ, જંગલ બનાવીને કુદરતી લાગે એવા દૃશ્યો ઊભાં કરવામાં આવ્યા છે. લાંબી ગરદન ધરાવતા શાકાહારી ડાયનોસોરથી લઈને ખૂંખાર ટી-રેક્સ, ભયાનક વેલોસિરાપ્ટર અને ઉડતા પેટેરાનોડોન જેવા વિવિધ પ્રજાતિના ડાયનોસોર અહીં જોવા મળે છે. તમામ ડાયનોસોર એકદમ સાચુકલા લાગે એ રીતે ડિઝાઈન કરવામાં આવ્યા છે.
કોસ્ટારિકાના કાલ્પનિક ટાપુ ઇસ્લા નુબ્લરથી પ્રેરિત આ પાર્કના ડાયનોસોર ફક્ત જોવા પૂરતા નથી. પ્રેક્ષકો એમની નજીક જઈને એમને સ્પર્શી શકે, એમની સાથે ફોટો પડાવી શકે, એમની સાથે થોડીઘણી રમત પણ કરી શકે એવી વ્યવસ્થા ગોઠવાઈ છે, જે આ થીમ પાર્કની મુલાકાતને યાદગાર બનાવી દે છે. ચિચિયારી પાડતા, હલનચલન કરતા એનિમેટ્રોનિક ડાયનોસોર મુલાકાતીઓને જુરાસિક કાળની સફર કરાવવામાં સફળ થાય છે. મીઠડાં લાગે એવાં બેબી ડાયનોસોર આ પાર્કનું વિશેષ આકર્ષણ બની જાય એમ છે. ગુસ્સે ભરાયેલા ડિલોફોસોરસ તો પ્રેક્ષકો પર ‘ઝેરીલી લાળ’ પણ થૂંકે છે. અલબત્ત, એ ફક્ત રંગીન પાણી હોય છે, પરંતુ એ અનુભવથી પ્રેક્ષકો આશ્ચર્યચકિત થઈ જાય છે.
(5:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
