<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th May 2025

રશિયાનો યુક્રેન પર અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો

નવી દિલ્હી:  યુક્રેનની રાજધાની કીવ પર સતત બીજી રાતે રશિયાના ભીષણ મિસાઇલ અને ડ્રોન હુમલા ચાલુ રહ્યાં હતાં. યુક્રેનના અધિકારીઓએ રવિવાર સવારે જણાવ્યું હતું કે રાજધાની કીવ પર સમગ્ર રાત ચાલેલા હુમલામાં ઓછામાં ઓછા ૧૨ લોકોનાં મોત થયા છે અને અનેક ઘાયલ થયા છે.
યુક્રેન પર છેલ્લા ૪૮ કલાકમાં કરવામાં આવેલો હવાઇ હુમલો છેલ્લા ત્રણ વર્ષનો સૌથી મોટો ડ્રોન અને મિસાઇલ હુમલો છે. યુક્રેનના એરફોર્સના પ્રવક્તાના જણાવ્યા અનુસાર રશિયાએ ૨૯૮ ડ્રોન અને ૬૯ મિસાઇલો છોડી હતી.
પ્રવક્તાએ દાવો કર્યો છે કે યુક્રેન ૨૬૬ ડ્રોન અને ૪૫ મિસાઇલોને તોડી પાડવામાં સફળ રહ્યું હતું. યુક્રેનના બીજા સૌથી મોટા શહેર ખાર્કિવની સાથે દક્ષિણમાં માયકોલાઇવ અને પશ્ચિમમાં ટેરનોપિલ સહિત અનેક ક્ષેત્રીય કેન્દ્રોને પણ નુકસાન થવાના સમાચાર છે.
યુક્રેનના ગૃહ પ્રધાન ઇહોર કિલમેંકોએ જણાવ્યું છે કે ૧૨ લોકોનાં મોત થયા છે અને ૬૦ લોકો ઘાયલ થયા છે. આ દરમિયાન યુક્રેનના પ્રમુખ ઝેલેન્સકીએ જણાવ્યું છે કે યુદ્ધ વિરામ માટે રશિયા પર વધુ પ્રતિબંધો નાખવાની અપીલ કરી છે.
 તેમણે જણાવ્યું હતું કે રશિયાએ ૩૦થી વધુ શહેરો અને ગામોમાં હુમલા કર્યા છે. યુક્રેન સામાન્ય નાગરિકોને નિશાન બનાવી રહ્યું છે. બીજી તરફ રશિયાએ દાવો કર્યો છે કે તેણે યુક્રેનના ૧૧૦ ડ્રોન તોડી પાડયા છે.
આ હુમલો એવા સમયે થયો છે જ્યારે બંને દેશ ફેબુ્રઆરી ૨૦૨૨માં થયેલા હુમલા પછી કેદીઓની સૌથી મોટી આપલે કરી રહ્યાં છે. ઇસ્તંબુલમાં થયેલી બેઠકમાં બંને દેશોએ ૧૦૦૦ કેદીઓની અદલા બદલી પર સંમતિ વ્યક્ત કરી હતી. બંને દેશોએ રવિવારે ૩૦૩, શનિવારે ૩૦૭ અને શુક્રવારે ૩૯૦ કેદીઓ મુક્ત કર્યા હતાં.

 

(6:54 PM IST)