તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 17th May 2025
જાણો ટ્રમ્પના પાંચ ટકા રેમિટન્સ ટેક્સથી ભારતને કેટલું નુકશાન થશે

નવી દિલ્હી: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાના ખાસ મિત્ર ગણાવીને ભારતને ફટકા પર ફટકા મારી રહ્યા છે. ટ્રમ્પે બીજા કાર્યકાળમાં સત્તા પર આવતાં જ ભારતને 'ટેરિફ કિંગ' ગણાવીને બદનામ કરવાનું શરૂ કર્યું હતું. ત્યાર પછી ટ્રમ્પે ગેરકાયદે ભારતીયો વસાહતીઓને હાથકડી અને બેડીઓ પહેરાવી ભારત મોકલ્યા. ડોનાલ્ડ ટ્રમ્પે એપલને ભારતમાં વિસ્તરણ નહીં કરવા સલાહ આપી હતી. હવે ટ્રમ્પની નજર અમેરિકાથી ભારત મોકલવામાં આવતા નાણાં પર છે. ટ્રમ્પે અમેરિકામાંથી વસાહતીઓ દ્વારા સ્વદેશ મોકલાતા નાણાં પર પાંચ ટકા રેમિટન્સ ટેક્સ લાગુ કરવાની દરખાસ્ત કરી છે, જેનાથી એનઆરઆઈ દ્વારા ભારત મોકલાતી રેમિટન્સની રકમમાં ૧.૬ અબજ ડોલરથી વધુનું નુકસાન થવાની આશંકા છે. ટ્રમ્પ સરકારે સંસદમાં ૩૮૯ પાનાનું એક બિલ રજૂ કર્યું છે, જેનું નામ ધ વન બિગ બ્યુટિફૂલ બિલ છે. આ બિલ ૨૬ મે, ૨૦૨૫ સુધીમાં સંસદમાં પસાર થવાની સંભાવના છે. આ બિલ સંસદમાં પસાર થઈ જશે તો અમેરિકામાં અમેરિકન નાગરિક ન હોય તેવા બધા જ લોકોએ પોતાના દેશમાં નાણાં મોકલવા પર પાંચ ટકા રેમિટન્સ ટેક્સ ચૂકવવો પડશે. આ બિલથી અમેરિકામાં રહેતા બિન નિવાસી ભારતીયો એટલે કે એનઆરઆઈને સૌથી મોટો ફટકો પડશે. કારણ કે, અમેરિકા એનઆરઆઈનું સૌથી મોટું કેન્દ્ર જ નથી, પરંતુ ભારતમાં રેસિટન્સ મારફત વિદેશી હુંડિયામણનો સૌથી મોટો સ્રોત પણ છે. ટ્રમ્પના નવા ખરડાંને પરિણામે બિનનિવાસી ભારતીયો (એનઆરઆઈ)એ ભારતમાં નાણાં મોકલવા પર પાંચ ટકાના દરે રેમિટન્સ ટેક્સ ચૂકવવો પડશે. ૨૦૨૩-૨૪ના વર્ષમાં બિન નિવાસી ભારતીયોએ મોકલેલા નાણાંને ધ્યાનમાં લેવામાં આવે તો એનઆરઆઈએ ૧૬૦ કરોડ ડોલર (અંદાજે રૂ. ૧૩,૮૦૦ કરોડ)નો વધારાનો ટેક્સ ચૂકવવો પડશે. ઉદાહરણરૂપે કોઈ એનઆરઆઈ ભારતમાં રૂ. ૧ લાખ મોકલે તો તેણે રૂ. ૫,૦૦૦ ટેક્સ સ્વરૂપે ચૂકવવા પડે. ટ્રમ્પના સૂચિત બિલમાં કોઈ સ્લેબ કે છૂટની જોગવાઈ નથી. એટલે કે અમેરિકાથી સ્વદેશ મોકલવામાં આવતી નાનામાં નાની રકમ પર પાંચ ટકા ટેક્સ લાગશે.
(5:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
