તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 15th May 2025
ગાઝામાં ઇઝરાયલે કરેલ હુમલામાં 22 બાળકો સહીત 70 અન્યનો ભોગ લેવાયો

નવી દિલ્હી: બુધવારે ઈઝરાયેલી હવાઈ હુમલાએ ઉત્તર અને દક્ષિણ ગાઝાને લક્ષ્યાંક બનાવતા જબલિયામાં ૨૨ બાળકો સહિત ઓછામાં ઓછા ૭૦ જણાના મોત થયા હતા એવી જાણકારી ગાઝાના આરોગ્ય મંત્રાલયે આપી હતી. ઈઝરાયેલી વડા પ્રધાન બેન્જામીન નેતાન્યાહુની હમાસનો સંપૂર્ણ પરાજય થાય ત્યાં સુધી આક્રમણ ચાલુ રહેશે તેવી જાહેરાત પછી આ હવાઈ હુમલા કરાયા હતા. જબલિયામાં બચાવકાર્ય દરમ્યાન મોબાઈલની ટોર્ચથી કાટમાળમાંથી લોકોને બચાવવાના પ્રયાસ કરાઈ રહ્યા હતા. યુદ્ધવિરામની આશા જગાવતા હમાસના સોમવારે ઈઝરાયેલી-અમેરિકી બંધકને છોડવાના પગલા પછી આ હુમલા કરાયા હતા. દરમ્યાન અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ સઉદી અરબની મુલાકાત લેતા રાજદ્વારી દબાણની આશા જાગી હતી. જો કે નેતાન્યાહુએ હમાસને સમાપ્ત કરવાના લક્ષ્યાંક પર ભાર મુકીને ગાઝામાં લશ્કરી કાર્યવાહીની યોજના ફરી વ્યક્ત કરી હતી. ૨૦૨૩માં ઈઝરાયેલમાં ૧,૨૦૦થી વધુ લોકોની હત્યા દ્વારા હમાસ દ્વારા શરૂ કરાયેલી આ લડાઈમાં અત્યાર સુધીમાં બાવન હજારથી વધુ પેલેસ્ટિનિયનોના મોત થયા હોવાની માહિતી ગાઝાના આરોગ્ય મંત્રાલયે આપી છે. ૧૮ માર્ચના યુદ્ધવિરામના ભંગ પછી લગભગ ત્રણ હજાર પેલેસ્ટિનિયનોના મોત થયા છે. ગાઝાના ૨૩ લાખથી વધુ નાગરિકો વિસ્થાપિત થયા છે અને કેટલાકે તો એકથી વધુ વાર પોતાના ઘર છોડવા પડયા છે. ઈઝરાયેલે આપેલી માહિતી મુજબ હમાસના કમાન્ડ અને કંટ્રોલ કેન્દ્રને લક્ષ્યાંક બનાવીને ખાન યુનિસમાં એક યુરોપિયન હોસ્પિટલ પર કરાયેલા હુમલામાં હમાસના ટોચના લશ્કરી નેતા મોહમ્મદ સિનવરને ટાર્ગેટ કરાયા હતા. ઈઝરાયેલે મોહમ્મદ સિનવરને મારવા છેલ્લા દાયકામાં અનેક પ્રયાસ કર્યા હતા. મોહમ્મદ સિનવરનો મોટાભાઈ યાહ્યા સિનવર ગયા વર્ષે ઓક્ટોબરમાં ઈઝરાયેલી હુમલામાં માર્યા ગયો હતો.
(6:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
