<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th April 2025

નાઇજીરીયામાં આતંકનો આઘાત : બોર્નોમાં બે બોમ્બ વિસ્ફોટમાં 26નાં મોત

બંદૂકધારી હુમલાઓ અને ઉગ્રવાદનો ગઢ બનેલા રાજ્યમાં વધતી હિંસા

અબુજા, 29 એપ્રિલ 2025: આફ્રિકન દેશ નાઇજીરીયામાં આતંકવાદી હુમલાઓનો સિલસિલો યથાવત્ રહ્યો છે. તાજેતરમાં ઉત્તર-પૂર્વીય બોર્નો રાજ્યમાં થયેલા બે શક્તિશાળી બોમ્બ વિસ્ફોટોમાં ઓછામાં ઓછા 26 લોકોનાં મોત થયાં છે. આ હુમલાઓએ નાઇજીરીયાના સુરક્ષા તંત્ર સામે મોટો પડકાર ઉભો કર્યો છે, જ્યાં ઇસ્લામિક ઉગ્રવાદનો પ્રભાવ સતત વધી રહ્યો છે.

બોર્નોમાં આતંકની નવી લહેર:
સોમવારે બોર્નો રાજ્યમાં આતંકવાદીઓએ બે વાહનોમાં વિસ્ફોટકો ફીટ કરીને બોમ્બ બ્લાસ્ટ કર્યા હતા. આંતરરાષ્ટ્રીય સુરક્ષા સંસ્થાઓના જણાવ્યા અનુસાર, આ હુમલામાં 26 લોકો માર્યા ગયા છે, જેમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે. બોર્નો રાજ્ય લાંબા સમયથી બોકો હરામ અને ઇસ્લામિક સ્ટેટ વેસ્ટ આફ્રિકા પ્રોવિન્સ (ISWAP) જેવા આતંકવાદી જૂથોનો ગઢ રહ્યું છે, જે સતત સ્થાનિક નાગરિકો અને સુરક્ષા દળો પર હુમલા કરે છે.

આ ઘટના પહેલાં પણ નાઇજીરીયામાં હિંસાની શ્રેણીબદ્ધ ઘટનાઓ બની છે. બે દિવસ અગાઉ જમ્ફારા રાજ્યના એક ગામમાં બંદૂકધારીઓએ 20થી વધુ લોકોની હત્યા કરી હતી. આ હુમલામાં આતંકવાદીઓએ સોનાની ખાણ, ઘરો અને મસ્જિદોને નિશાન બનાવ્યા હતા. આ ઉપરાંત, બે અઠવાડિયા પહેલાં ઉત્તર-મધ્ય નાઇજીરીયામાં ખ્રિસ્તી ખેડૂત સમુદાય પર થયેલા હુમલામાં 40 લોકો માર્યા ગયા હતા. એમ્નેસ્ટી ઇન્ટરનેશનલના અહેવાલ મુજબ, આ હુમલાઓ અચાનક થતાં લોકોને ભાગવાની તક પણ મળી ન હતી.

નાઇજીરીયાના રાષ્ટ્રપતિએ આ હુમલાઓની નિંદા કરી છે અને સુરક્ષા દળોને આતંકવાદીઓ સામે કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યા છે. જોકે, દેશના ઉત્તરીય અને મધ્ય વિસ્તારોમાં વધતી હિંસા અને આતંકવાદે સ્થાનિક વસ્તીમાં ભયનો માહોલ ઊભો કર્યો છે. આફ્રિકાના સૌથી વધુ વસ્તી ધરાવતા આ દેશમાં આવા હુમલાઓ હવે નિત્યનું દૃશ્ય બની ગયા છે, જે સરકાર અને આંતરરાષ્ટ્રીય સમુદાય માટે ગંભીર ચિંતાનો વિષય છે.

(8:55 AM IST)