તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 9th April 2025
ટ્રમ્પના ટેરિફ વોરની સામે ચીને ચાલુ કર્યું મેટલ વોર:સાત ધાતુની નિકાસ રાતોરાત કરી દીધી બંધ

નવી દિલ્હી: ટ્રમ્પના ટેરિફ યુદ્ધથી વિશ્વ ખળભળી ઊઠ્યું છે. અન્ય દેશો સહિત ટ્રમ્પે ચીન પર આકરો ટેરિફ લાદી દીધો છે અને એમાં હજુ વધારો કરવાની ચીમકી આપી છે. એવામાં ડ્રેગન શાંત બેસી રહે એ તો કેમ બને? ટ્રમ્પના ટેરિફ વોરની સામે ચીને મેટલ વૉર છેડી દીધું છે. આજના ટેક્નોલોજીકલ જમાનામાં જેના વિના પ્રગતી અટકી પડે એવી અત્યંત મહત્ત્વની 7 દુર્લભ ધાતુઓની નિકાસ ચીને બંધ કરી દીધી છે. આ એવી ધાતુઓ છે જે ચીનમાં પુષ્કળ માત્રામાં મળી આવે છે અને વિશ્વમાં એની સૌથી વધુ નિકાસ ચીન જ કરે છે. ચીને જે સાત ધાતુઓની નિકાસ બંધ કરી દીધી છે તે છે ગેડોલિનિયમ, ટર્બિયમ, સમેરિયમ, ડિસપ્રોસિયમ, સ્કેન્ડિયમ, યટ્રીયમ અને લ્યુટેટીયમ. આ તમામ ધાતુના નામ તમે કદાચ પહેલીવાર સાંભળી રહ્યા હશો. અજાણી લાગતી આ ધાતુઓ આપણા જીવનમાં મહત્ત્વનો ભાગ ભજવે છે, કેમ કે તેમનો ઉપયોગ એવી ચીજવસ્તુઓ બનાવવામાં થાય છે જેને આપણે રોજબરોજની જિંદગીમાં વાપરતા હોઈએ છીએ. કેટલાય એવા ઉદ્યોગો છે જે આ ધાતુઓના અભાવે ઠપ થઈ જાય. ચીન આ ધાતુઓનું મોટામાં મોટું નિકાસકાર હોવાથી તેની આ ચાલથી વિશ્વના તમામ દેશોને અસર પડશે.
કઈ ધાતુ કેવા કામમાં આવે છે?
1. ગેડોલિનિયમ
આ ધાતુનો ઉપયોગ ચુંબક બનાવવામાં થાય છે. તેનો ઉપયોગ ઈલેક્ટ્રોનિક સામાન અને ડેટા સ્ટોરેજ ઉપકરણોમાં પણ થાય છે. MRI સ્કેન કરતી વખતે ગેડોલિનિયમ કેન્સરગ્રસ્ત ગાંઠો શોધવામાં મદદ કરે છે. પરમાણુ રિએક્ટરમાં પણ તેની હાજરી જરૂરી છે.
2. ટર્બિયમ
આ ધાતુનો ઉપયોગ ઈલેક્ટ્રિક બલ્બ અને પારાના લેમ્પમાં થાય છે. તે એક્સ-રેને સલામત અને સ્વચ્છ બનાવવામાં મદદ કરે છે.
3. સમેરિયમ
આ ધાતુનો ઉપયોગ હેડફોન અને પર્સનલ સ્ટીરિયો જેવી વસ્તુઓમાં થાય છે. ઓપ્ટિકલ લેસર અને ન્યુક્લિયર રિએક્ટરમાં પણ તેનો ઉપયોગ થાય છે.
4- ડિસ્પ્રોસિયમ
આ ધાતુ પવનચક્કીઓ અને ઈલેક્ટ્રિક વાહનોમાં મજબૂત ચુંબક બનાવવા માટે વપરાય છે. તેનો ઉપયોગ પરમાણુ રિએક્ટરના કન્ટ્રોલર રૉડમાં પણ થાય છે.
(5:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
