તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 25th February 2025
યુક્રેન-રશિયા એકબીજાના બંધક સૈનિકોને છોડીને આગળ વધી શકે તેવી માહિતી

નવી દિલ્હી: યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લોડોમીર ઝેલેન્સ્કીએ રશિયા સાથેના યુદ્ધના ત્રણ વર્ષના પૂરા થયા ત્યારે બંને દેશોએ એકબીજાના બંધક સૈનિકોને છોડીને યુદ્ધબંધકોની અદલાબદલીનો પ્રસ્તાવ મૂક્યો. યુદ્ધના ત્રીજા વર્ષ નિમિત્તે યુક્રેનમાં ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે રશિયાએ બધા યુક્રેનિયન સૈનિકો અને નાગરિકોને છોડવા પડશે અને બદલામાં યુક્રેન પણ રશિયાના બંધકોને છોડવા તૈયાર છે. શાંતિની દિશામાં આ કદાચ પ્રથમ પગલું કહી શકાય. ઝેલેન્સ્કીએ કદાચ પહેલી જ વખત પુતિન તરફ આ રીતે હાથ આગળ ધપાવ્યો છે. આ પહેલા ઓક્ટોબર ૨૦૨૪માં રશિયા અને યુક્રેને સંયુક્ત આરબની મધ્યસ્થતામાં એકબીજાના ૯૫-૯૫ યુદ્ધબંધકોને છોડયા હતા. યુક્રેનની સંસદના માનવ અધિકાર કમિશ્નર દિમિત્રો લુબિનેટ્સે જણાવ્યું હતું કે ૨૦૨૨માં યુદ્ધ શરૂ થયાપછી આ ૫૮મો પ્રસંગ હતો જ્યારે બંને દેશોએ કેદીઓની ્અદલાબદલી કરી હતી. આ પહેલા બંને દેશોએ સપ્ટેમ્બરમાં બંને દેશોના ૧૦૩-૧૦૩ કેદીઓ છોડયા હતા. આના એક દિવસ પહેલા ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે જો યુક્રેનને નાટોનું સભ્યપદ આપવામાં આવે તો તે યુક્રેનના ભાવિ રાષ્ટ્રપતિ માટે પોતાનો વર્તમાન હોદ્દો છોડવા તૈયાર છે. જો મારા રાજીનામાથી યુક્રેનમાં શાંતિ સ્થાપિત થતી હોય તો હું હોદ્દો છોડવા તૈયાર છું. યુક્રેનને નાટોનું સભ્યપદ મળે તો હું બીજી જ ક્ષણે પ્રમુખપદેથી રાજીનામુ આપવા તૈયાર છું. ઝેલેન્સ્કીએ તેની સાથે ડોનાલ્ડ ટ્રમ્પને યુક્રેનની સ્થિતિ સમજવા અને રશિયાની આક્રમકતા સામે તેના દેશને સુરક્ષાની ગેરંટી આપવા માટે આગ્રહ કર્યો હતો. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે અમે યુક્રેનને ૨૦૦ અબજ ડોલરથી વધારે લશ્કરી સહાય કરી છે. હવે અમે બદલામાં આ રકમ પરત ઇચ્છીએ છીએ. યુક્રેન અમને આ રકમ પરત આપે અથવા તો તેના પ્રાકૃતિક સંસાધનોનો ઉપયોગ કરવા દે. ટ્રમ્પના આ પ્રકારના દબાણના લીધે ઝેલેન્સ્કી યુદ્ધને લઈને નરમ પડયા હતા. આમ છતાં ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે અમેરિકાએ કરેલી મદદને તે દેવા તરીકે માનવા તૈયાર જ નથી, જો તેને દેવું ગણું તો મારે યુરોપના બધા દેશોને પણ ચૂકવણી કરવાની આવે. હા. હું તેને અમેરિકાની યુક્રેનને બેઠુ કરવાની દિશામાં મોટા રોકાણ તરીકે ગણવા માટે તૈયાર છું. આ પહેલા પણ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઝેલેન્સ્કી વચ્ચે તડાફડી થઈ ચૂકી છે. તેના પગલે તેમણે ઝેલેન્સકીને સ્ટારલિંકની સેવા રોકી દેવાની ધમકી આપી હતી, જેનો ઉપયોગ હાલમાં યુક્રેનનું લશ્કર અને પ્રજા કરી રહી છે.
(6:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
