<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th February 2025

આફ્રિકામાં જોવા મળ્યો કોરોનાનો ઘાતક વાયરસ

નવી દિલ્હી: આફ્રિકામાં ઈબોલા અને ઝીકા જેવા જીવલેણ વાયરસે આતંક મચાવ્યા બાદ હવે વધુ એક નવો વાયરસ ફેલાઈ રહ્યો છે. સેન્ટ્રલ આફ્રિકાના કોંન્ગોમાં ફેલાયેલા આ વાયરસથી 50થી વધુ લોકોના મોત થયા છે. બોમેટે શહેરમાં રહસ્યમય વાયરસથી અનેક લોકોના મોત થયા બાદ તે કોરોના કરતાં પણ ખતરનાક હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આફ્રિકામાં ફેલાયેલા નવા ઘાતક વાયરસ અંગે સ્થાનિક ડૉક્ટરો અને વિશ્વ આરોગ્ય સંગઠને (WHO) ચોંકાવનારા તથ્યો રજૂ કર્યા છે. ડૉક્ટરોએ કહ્યું કે, મોટાભાગના કેસોમાં વાયરસના લક્ષણ દેખાયા બાદ માત્ર 48 કલાકમાં મોત થાય છે, તેથી આ સ્થિતિ ભયાનક અને ચિંતાજનક છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે, સૌ પ્રથમ 21 જાન્યુઆરીએ વાયરસનો કેસ સામે આવ્યો હતો. ત્યારથી અત્યાર સુધીમાં 419 લોકો સંક્રમિત થયા છે. બોમેટે શહેરમાં 9 જાન્યુઆરીએ રહસ્યમય મોતની સંખ્યામાં વધારો થતાં આરોગ્ય તંત્ર ઍલર્ટ પર આવી ગયું હતું અને પીડિત લોકોના સેમ્પલ લીધા બાદ ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા છે. આફ્રિકા સ્થિત વિશ્વ આરોગ્ય સંગઠનની ઑફિસના જણાવ્યા મુજબ, રહસ્યમય વાયરસનો પ્રથમ કેસ બોલોલો શહેરમાં નોંધાયો હતો, જ્યાં ત્રણ બાળકોએ ચામાચીડીયું ખાધું હતું. ત્યારબાદ તેઓને અતિશય તાવ આવ્યો અને 48 કલાકમાં મોત થઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા વર્ષોથી આફ્રિકા અને એશિયા જેવા ખંડોમાં જાનવરોમાં માણસોમાં વાયરસ પહોંચવાના કેસોમાં વધારો થયો છે. WHOઓએ 2022માં કહ્યું હતું કે, પાછલા દાયકામાં આફ્રિકામાં આવા કેસોમાં 60 ટકાથી વધુનો વધારો થયો છે.

 

(6:39 PM IST)