<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd February 2025

90 ટકા મુસ્લિમ વસ્તી ધરાવતા દેશોમાં બુરખા-દાઢી પર લાગી ગયો છે પ્રતિબંધ

નવી દિલ્હી: 98 ટકા મુસ્લિમ વસ્તી ધરાવતા દેશ તાજિકિસ્તાને કહ્યું કે, અમે મહિલાઓના કપડા અંગે નવી ગાઇડલાઇન જારી કરવા માટે એક નવું પુસ્તક પ્રકાશિત કરીશું. આ પુસ્તક જુલાઈમાં આવશે અને તેમાં મહિલાઓએ કઈ ઉંમરે, કયા પ્રસંગે અને ક્યા કયા કપડાં પહેરવા જોઈએ તે અંગે ભલામણો આપવામાં આવશે. મુસ્લિમ બહુમતી ધરાવતો મધ્ય એશિયાઈ દેશ તાજિકિસ્તાન સમાજ પર કડક દેખરેખ રાખે છે, ખાસ કરીને જ્યારે વાત મહિલાઓ અને છોકરીઓ સાથે સંકળાયેલી હોય ત્યારે. તાજેતરના વર્ષોમાં સરકારે 'પરંપરાગત' તાજિક વસ્ત્રોને પ્રોત્સાહન આપ્યું છે અને રાષ્ટ્રીય સંસ્કૃતિની વિરુદ્ધ ગણાતાં કપડાં પર પ્રતિબંધ મૂકી દીધો છે. તાજિક મહિલાઓના પરંપરાગત પોશાકમાં સામાન્ય રીતે રંગબેરંગી, ભરતકામવાળા, સંપૂર્ણ બાંયના કુર્તા હોય છે જેને ઢીલા પાયજામા સાથે પહેરવામાં આવે છે. સરકાર આવા પરંપરાગત વસ્ત્રોને પ્રોત્સાહન આપવા માગે છે અને 'વિદેશી ઇસ્લામિક પ્રભાવો'ને ખતમ કરવા માગે છે. 1992થી સત્તામાં રહેલા પ્રમુખ ઈમોમાલી રહેમોને અગાઉ પણ ઇસ્લામિક હિજાબને સમાજ માટે સમસ્યા ગણાવી હતી અને મહિલાઓને 'તાજિક શૈલી'માં પોશાક પહેરવા માટે અપીલ કરી હતી. વાત અહીં જ ખતમ નથી થતી, સરકારે દેશમાં લાંબી દાઢી રાખવા પર પણ અનૌપચારિક પ્રતિબંધ મૂકી દીધો છે, જેથી 'ધાર્મિક કટ્ટરતા' રોકી શકાય. ગત વર્ષે મોસ્કોના એક કોન્સર્ટ હોલ પર થયેલા હુમલામાં ચાર તાજિક નાગરિકો પર સંડોવણીનો આરોપ લાગ્યા બાદ સરકારે ઇસ્લામિક ઉગ્રવાદ સામે કડક કાર્યવાહી શરુ કરી દીધી છે. આ પહેલા 2015માં ઘણા તાજિક નાગરિકો આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટમાં સામેલ થઈ ગયા હતા. આ ઘટનાઓને ધ્યાનમાં રાખીને તાજિકિસ્તાન સરકારે આ નિર્ણય લીધો છે.

 

(5:35 PM IST)