<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th February 2025

અમેરિકાના F-35 ફાઈટર જેટ અનેક વખત દુર્ઘટનાસગ્રસ્ત થતા હાલત ભંગાર જેવી

નવી દિલ્હી: આ વર્ષે 28 જાન્યુઆરીએ અલાસ્કામાં ઈલસન યુએસ ઍરફોર્સ બેઝ પર ટ્રેનિંગ સેશન દરમિયાન F-35A ફાઇટર પ્લેન ક્રેશ થયું હતું. આ ઘટનાએ ફરી એકવાર આ વિવાદાસ્પદ વિમાનની સલામતી, વિશ્વસનીયતા અને ઓપરેશનલ ક્ષમતા પર સવાલો ઊભા કર્યા છે. એવામાં હવે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે અમેરિકા ભારતને અત્યાધુનિક F-35 ફાઇટર એરક્રાફ્ટ વેચશે. આ સાથે ભારત અત્યાધુનિક સ્ટીલ્થ એરક્રાફ્ટ ધરાવતા દેશોની વિશિષ્ટ ક્લબમાં સામેલ થશે. પરંતુ મોટો પ્રશ્ન એ છે કે ટ્રમ્પ ભારતને આટલી ખામીઓ સાથે F-35 ફાઇટર પ્લેન વેચવાની ઉતાવળ કેમ કરી રહ્યા છે. F-35 લાઇટનિંગ II એ અમેરિકન એરોસ્પેસ જાયન્ટ લોકહીડ માર્ટિન દ્વારા વિકસિત પાંચમી પેઢીનું ફાઇટર એરક્રાફ્ટ છે, જેની પ્રથમ ઉડાન ડિસેમ્બર 2006માં થઈ હતી. આ લશ્કરી વિમાન અદ્યતન સ્ટીલ્થ ક્ષમતાઓ, અદ્યતન એવિઓનિક્સ અને આધુનિક શસ્ત્રોથી સજ્જ છે. આજની તારીખમાં, અમેરિકન સૈન્ય અને વૈશ્વિક ભાગીદારોને 1000થી વધુ વિમાનોનો સપ્લાય કરવામાં આવ્યો છે. F-35 એરક્રાફ્ટમાં ઘણી ખામીઓ જોવા મળી રહી છે. 2018થી અત્યાર સુધીમાં ઓછામાં ઓછા આ વિમાનના 12 અકસ્માત થયા છે. તેની વિશ્વસનીયતા, જાળવણી, પ્રોજેક્ટમાં વિલંબ અને ખર્ચમાં વધારા અંગે પણ ચિંતા વધી છે. F-35 સાથે ઘણી બધી સમસ્યાઓને જોતાં, માનવસહિત લડાયક વિમાનના ભવિષ્યને લઈને પ્રશ્નો ઊભા થયા છે. ગત વર્ષે નવેમ્બરમાં જ, સ્પેસએક્સના માલિક ઈલોન મસ્કએ X પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં સેંકડો નાના ડ્રોન એકસાથે દેખાતા હતા. તે સમયે તેમણે કહ્યું હતું કે કેટલાક મૂર્ખ લોકો હજુ પણ F-35 જેવા માનવયુક્ત ફાઇટર જેટ બનાવી રહ્યા છે. માનવસહિત ફાઇટર જેટ પહેલેથી જ ડ્રોનના યુગમાં અપ્રચલિત છે. આનાથી માત્ર પાયલોટ જ માર્યા જશે. પાયલોટેડ ફાઇટર જેટ્સ એ મિસાઇલની રેન્જને વધારવા અથવા બોમ્બમારો કરવા માટેની એક બિનકાર્યક્ષમ રીત છે. તે જ સમયે, ડ્રોન માનવ પાઇલટ વિના આ કામ કરી શકે છે.

 

(5:55 PM IST)