<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th February 2025

યુકેમાં ગેરકાયદે ઇમિગ્રેશન પર કાર્યવાહી હાથ ધરવામાં આવી

નવી દિલ્હી: યુકે સરકારે ગેરકાયદે ઈમિગ્રેશન સામે દેશવ્યાપી કાર્યવાહી શરૂ કરી છે જેમાં ભારતીય રેસ્ટોરન્ટ, નેલ બાર, સુવિધા સ્ટોર્સ અને કાર વોશના વ્યવસાયોને લક્ષ્યાંક બનાવવામાં આવ્યા છે. આ પગલુ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સખત ઈમિગ્રેશન નીતિ સમાન છે. ગૃહ મંત્રાલયે ગેરકાયદેસર સ્થળાંતર કરનારાઓને દેશનિકાલ કરવામાં આવતા દર્શાવતો એક વીડિયો જારી કર્યો હતો, જેમાં ખુલાસો કરાયો હતો કે ગયા વર્ષે જુલાઈથી આશ્રય શોધનારા અને ઈમિગ્રેશન ગુનેગારો સહિત લગભગ ૧૯ હજાર લોકોને કાઢી મુકવામાં આવ્યા હતા.
ગૃહ સચિવ યવેટ કૂપરે અમલીકરણ કાર્યવાહીમાં વધારો કરાયો હોવાની જાણકારી આપી હતી જેમાં ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ ટીમોએ જાન્યુઆરીમાં આગલા વર્ષ કરતા ૪૮ ટકા વધુ ૮૨૮ દરોડા પાડયા હતા. આ કાર્યવાહીને કારણે આગલા વર્ષ કરતા ૭૩ ટકા વધુ ૬૦૯ લોકોની ધરપકડ કરાઈ હતી. ખાસ કરીને ભારતીય રેસ્ટોરન્ટ અને ખોરાક સંબંધિત વ્યવસાયને માઠી અસર પડી હતી જેમાં કામ કરનારા અનેકની ધરપકડ થઈ હતી. કૂપરે જણાવ્યું કે એન્ફોર્સમેન્ટનો ઉદ્દેશ હોટલ માલિકોને ગેરકાયદે સ્થળાંતરીઓને નોકરી આપતા રોકવાનો તેમજ જોખમી ચેનલ ક્રોસિંગ અટકાવવાનો છે.
જુલાઈ ૨૦૨૩ અને જાન્યુઆર ૨૦૨૪ વચ્ચે ગેરકાયદે કામદારો સામે કાર્યવાહી અને ધરપકડમાં ૩૮ ટકાનો વધારો થતા યુકેમાં ૨૦૧૮થી દેશનિકાલ કરવાના સૌથી વધુ કેસ થયા હતા. વિશાળ ચાર્ટર ફ્લાઈટ દ્વારા ૮૫૦થી વધુ વ્યક્તિઓને દેશનિકાલ કરાયા હતા તેમજ ૧,૦૯૦ જેટલી પેનલ્ટી નોટિસ આપવામાં આવી હતી. વ્યવસાય માલિકો પર પ્રતિ ગેરકાયદે કામદાર ૬૦ હજાર પાઉન્ડની પેનલ્ટી લાદવામાં આવી છે.ગૃહ મંત્રાલય ખાતે એન્ફોર્સમેન્ટના ડાયરેક્ટર એડી મોન્ટગોમેરીએ જણાવ્યું કે તીવ્ર કરવામાં આવેલી કાર્યવાહીથી સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે ઈમિગ્રેશનના કાયદાનો સખતપણે અમલ કરાશે. તેમણે અનેક ગેરકાયદે સ્થળાંતરીઓએ સામનો કરવી પડતી ખરાબ સ્થિતિનો પણ ઉલ્લેખ કર્યો હતો અને સરકારની અસહાય કામદારોની સુરક્ષા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. ગેરકાયદે સ્થળાંતરીઓ સામેની સખત કાર્યવાહી લેબર સરકારની સંગઠિત અપરાધ અને ગેરકાયદે ઈમિગ્રેશનની સમસ્યાનો સામનો કરવા સીમા સુરક્ષા, આશ્રય અને ઈમિગ્રેશન કાયદા સાથે સુસંગત છે. યુકેની નવી લેબર સરકારની વિરોધ પક્ષો દ્વારા ગેરકાયદે સ્થળાંતરીઓ સામે ઢીલાશ વર્તવા બાબતે થઈ રહેલી ટીકાનો પણ આ પ્રતિસાદ હોવાનું માનવામાં આવે છે.

 

(5:29 PM IST)