<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th February 2025

અજરબૈજાને ઇઝરાયલ સાથે ભાઈબંધી કરી હોવાના સમાચાર

નવી દિલ્હી: ઇઝરાયેલ અને આરબદેશો વચ્ચેના વૈમનસ્ય અને સંઘર્ષનો પેઢીઓ જુનો ઇતિહાસ છે. એક એવી ધાર્મિક,સાંસ્કૃતિક અને ભૂ રાજનીતિક લડાઇ જેમાં યહુદીઓ અને આરબો આમને સામને રહયા છે.  કટ્ટરપંથી ઇસ્લામી જુથો અને આતંકી સંગઠનો વચ્ચેની તિરાડ ઇઝરાયેલની વાત આવે ત્યારે સંધાઇ જાય છે.આરબ જગતના મોટા ભાગના દેશો ઇઝરાયેલથી અંતર રાખે છે અને ધાર્મિક ઇસ્લામી સંગઠનો તો ઇઝરાયેલનું અસ્તિત્વ જ સ્વીકારવા રાજી નથી પરંતુ અઝરબૈજાન એક એવો મુસ્લિમ દેશ જે ઇઝરાયેલ સાથે ભાઇબંધી ધરાવે છે. અઝરબૈજાનના ૯૭.૩ ટકા લોકો મુસ્લિમ ધર્મ પાળે છે જેમાં ૬૦ થી ૬૫ ટકા શિયા અને ૩૫ થી ૪૦ ટકા સૂન્નીઓ છે. ૮૬૬૦૦ વર્ગ કિમી વિસ્તાર ધરાવતા અઝરબૈજાનની કુલ વસ્તી ૧૦.૩૫ કરોડ જેટલી છે જયારે ઇઝરાયેલ વસ્તી અને વિસ્તારની દ્વષ્ટીએ ખૂબ નાનો દેશ છે.  સોવિયત સંઘ રશિયાનું વિઘટન થવાની સાથે જ  ૧૮ ઓકટોબર ૧૯૯૧ના રોજ અઝરબૈજાન છુટું પડયું હતું. સોવિયત સંઘથી સ્વતંત્ર થયા પછી અઝરબૈજાનને નવા દેશ તરીકે માન્યતા આપવામાં ઇઝરાયેલ સૌથી આગળ હતું. અઝરબૈજાનમાં આજે પણ ૧૫૦૦૦ જેટલા યહૂદીઓનો સમુદાય હળી મળીને શાંતિથી રહે છે. ૧૯૯૨માં તુર્કી અને ઇજિપ્ત પછી ઇઝરાયેલ સાથે સંબંધ વિકસિત કરનારો ત્રીજો મુસ્લિમ દેશ બન્યો હતો. બેન્જામિન નેતન્યાહુ ૧૯૯૭માં અઝરબૈજાનનો વિદેશ પ્રવાસ કરનારા પ્રથમ ઇઝરાયેલી વડાપ્રધાન હતા. ત્યાર પછી બંને દેશો વચ્ચે વેપાર અને સુરક્ષા સહયોગમાં વધારો થતો રહયો છે.૨૦૧૧માં અઝરબૈજાન ઇઝરાયેલનો પાંચમો સૌથી મોટો વ્યાપારિક ભાગીદાર દેશ બન્યો હતો. અઝરબૈજાન કુદરતી ગેસ અને ક્રુડ ઓઇલનો ભંડાર ધરાવે છે. ઇઝરાયેલ પોતાની કુલ વપરાશનું ૪૦ ટકા ક્રુડ અઝરબૈજાન પાસેથી ખરીદે છે. અઝરબૈજાન ઇઝરાયેલના તમાર ગેસ ક્ષેત્રની ૧૦ ટકા ભાગીદારી ધરાવે છે. ૧૯૯૨ થી ૨૦૧૦ વચ્ચે બંને દેશો વચ્ચેનો વેપાર ૨૮ મિલિયન ડોલર વેપાર હતો જે ૨૦૧૧ થી ૨૦૨૨ સુધીમાં ૮૬૦ મિલિયન ડોલરે પહોંચ્યો હતો. રાસાયણિક ઉત્પાદનોમાં ૪૫૬ ટકા, ઉપકરણોમાં ૨૫૦ ટકા, મશીન પાર્ટસમાં ૧૦૧ ટકા જયારે વિવિધ વસ્તુઓમાં ૧૦ ટકા જેટલી વેપાર વૃધ્ધિ થઇ હતી. ૨૦૨૨માં અઝરબેજાને દુતાવાસ ખોલવાની પણ જાહેરાત કરી હતી. જો કે ઇઝરાયેલે ૧૯૯૩માં પાટનગર બાકૂ ખાતે પોતાનું દુતાવાસ ખોલ્યું હતું. 

 

(5:28 PM IST)