<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th February 2025

પેપર સ્ટ્રોની જગ્યાએ પ્લાસ્ટિક સ્ટ્રો ઉપયોગમાં લેવાના ટ્રમ્પના અજીબોગરીબ આદેશથી લોકો અચરજ પામ્યા

નવી દિલ્હી: અમેરિકામાં 20 જાન્યુઆરીએ રાષ્ટ્રપ્રમુખ પદે શપથ લીધા બાદ ડોનાલ્ડ ટ્રમ્પના અનેક અટપટા નિર્ણયોથી વિશ્વ અસમંજસમાં મૂકાયું છે. હાલમાં જ ટ્રમ્પે પેપર સ્ટ્રો મુદ્દે બાઇડેનના નિર્ણયને પાછો ખેંચતા ટીકાઓ સામનો કરી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે બાઇડેનના પ્લાસ્ટિક સ્ટ્રોના સ્થાને પેપર સ્ટ્રોનો ઉપયોગ કરવાનો નિર્ણય પાછો ખેંચી પ્લાસ્ટિક સ્ટ્રોના વપરાશને પ્રોત્સાહન આપ્યું છે. ટ્રમ્પે કહ્યું કે, બેક ટુ પ્લાસ્ટિક. મેક ઈન સ્ટ્રો ગ્રેટ અગેન. ટ્રમ્પના નિર્ણયની અમુક વર્ગ ટીકાઓ કરી રહ્યો છે, જ્યારે ઘણા લોકો સમર્થન પણ આપી રહ્યા છે. ટ્રમ્પના કટ્ટર સમર્થક ઈલોન મસ્કે તો ટ્રમ્પને તેમના આ નિર્ણયના કારણે અત્યાર સુધીના સૌથી ગ્રેટ પ્રેસિડન્ટ તરીકે સંબોધ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પના ઘણા દેશો પર કબજો કરવાની ધમકી, ટેરિફ વોર, ફેડરલ ગવર્નમેન્ટની યોજનાઓ પર કાપ, સ્ટાફની છટણી જેવા નિર્ણયોના કારણે વિવાદ વધ્યો છે. અમેરિકામાં પ્લાસ્ટિક સ્ટ્રો વિવાદ નવો નથી. બરાક ઓબામાથી માંડી બાઇડેન અને ટ્રમ્પે પણ આ મુદ્દે મોટી મોટી જાહેરાતો કરી છે. બરાક ઓબામા અને બાઇડેન પર્યાવરણની સુરક્ષા માટે પેપર સ્ટ્રોને સમર્થન આપે છે, જ્યારે ટ્રમ્પ માને છે કે, પેપર સ્ટ્રો લાંબો સમય ટકી શકતી ન હોવાથી પ્લાસ્ટિક સ્ટ્રો શ્રેષ્ઠ છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ બાઇડેને ગત વર્ષે પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડવા માટે યોજનાઓ શરુ કરી હતી. પ્લાસ્ટિક પ્રદુષણને સંકટ તરીકે દર્શાવતા બાઇડેને 2027 સુધીમાં અમેરિકાને પ્લાસ્ટિકમુક્ત બનાવવાનું વિઝન રજૂ કર્યું હતું. તેમણે પ્લાસ્ટિક સ્ટ્રોના સ્થાને પેપર સ્ટ્રોનો ઉપયોગ કરવા નિર્દેશ કર્યો હતો.

 

(6:43 PM IST)