તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Saturday, 8th February 2025
અમેરિકાથી વધુ 487 ભારતીયોને ટૂંક સમયમાં કરવામાં આવશે ડિપોર્ટ

નવી દિલ્હી: અમેરિકન પ્રમુખ ટ્રમ્પે બીજા કાર્યકાળમાં ગેરકાયદે વસાહતીઓને દેશમાંથી કાઢી મુકવાનું સૌથી મોટું અભિયાન હાથ ધર્યું છે, જેના ભાગરૂપે ૧૦૪ ભારતીયોને અપમાનજનક રીતે અમૃતસર મોકલવાનો વિવાદ હજુ શાંત નથી થયો ત્યાં ભારતીય વિદેશ મંત્રાલયે શુક્રવારે જણાવ્યું કે અમેરિકા ટૂંક સમયમાં વધુ ૪૮૭ ભારતીયોને ડીપોર્ટ કરશે. આ સાથે મંત્રાલયે કબૂલ્યું હતું કે, ૧૦૪ ભારતીયો સાથે કરાયેલું અપમાનજનક વર્તન ટાળી શકાયું હોત. આ મુદ્દે અમેરિકા સાથે વાત કરવામાં આવશે.
કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે, અમેરિકન અધિકારીઓએ માહિતી આપી છે કે તેમના દેશમાં ગેરકાયદે રહેતા ૪૮૭ ભારતીયોની તેમણે ઓળખ કરી છે, જેમાંથી ૨૯૮ લોકોની વિગતો ભારતને આપવામાં આવી છે. તેમને ટૂંક સમયમાં ભારત પાછા મોકલાશે. વધુમાં ૧૦૪ ભારતીયોને હાથકડી અને પગમાં સાંકળ પહેરાવીને ભારત લાવવાનો મુદ્દો અમે અમેરિકન તંત્ર સમક્ષ ઉઠાવ્યો હતો અને તેમને જણાવાયું હતું કે ગેરકાયદે ભારતીય પ્રવાસીઓ સાથે આ પ્રકારનું વર્તન ટાળી શકાયું હોત. અમેરિકન તંત્ર દ્વારા આપવામાં આવેલી માહિતીની ચકાસણી કરવામાં આવી રહી છે. ગેરકાયદે ભારતીય વસાહતીઓને સ્વદેશ રવાના કરવા અંગે વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કહ્યું કે, વિદેશ મંત્રી જયશંકરને અમેરિકન અધિકારીઓએ આપેલી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (એસઓપી)ની જાણ કરાઈ છે. વિદેશ મંત્રીએ કહ્યું છે કે આ પ્રક્રિયા લાંબા સમયથી ચાલી રહી છે. જોકે, તેમણે ગેરકાયદે વસાહતીઓ સાથે અપમાનજનક વર્તનના મુદ્દાને ગંભીર બાબત ગણાવી હતી. ભારતે આ મુદ્દો અમેરિકન અધિકારીઓ સમક્ષ ઉઠાવ્યો છે.
(6:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
