<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th January 2025

બોસ, કંપની હોય તો આવી :કર્મચારીઓ સામે રૂપિયાનો ઢગલો કર્યો, પછી કહ્યું- જેટલા ગણી શકશો, એટલા તમારા

એક કંપનીએ પોતાના કર્મચારીઓ માટે પૈસા ગણવાની ગેમ રાખી હતી. જેમાં ૫ હજાર કર્મચારીઓએ ભાગ લીધો હતો. શરત એ હતી કે જે જેટલા પૈસા ગણી શકશે, એટલા તે ઘરે લઈ જઈ શકશે.

બીજીંગ તા.૩૦: કંપનીમાં કામ કરનારા દરેક કર્મચારીને નિયમ અનુસાર જ કામ પ્રમાણે પગાર અને બોનસ મળતા હોય છે. જે ડાયરેક્‍ટ તેમના ખાતામાં મોકલવામાં આવે છે. ઘણી વાર કંપનીઓ પોતાના પસંદગીના કર્મચારીઓને જરૂરિયાત કરતા વધારે બોનસ અથવા ગિફ્‌ટ આપીને તેમને ખુશ કરી દેતા હોય છે. પણ આ બધાની અલગ એક કંપનીએ તો પોતાના કર્મચારીઓની સામે નોટોનો ઢગલો કરી દીધો, તેની પાછળનું કારણ જાણીને લોકો ચોંકી ગયા હતા. સોશિયલ મીડિયા પર આ મામલો એટલો વાયરલ થઈ રહ્યો છે કે તમને જાણીને આંચકો લાગશે કે કોઈ કંપની પોતાના કર્મચારીઓ પર આટલી મહેરબાન કેમ થઈ રહી છે?

સાઉથ ચાઈના ર્મોનિંગ પોસ્‍ટના રિપોર્ટ અનુસાર, એક કંપનીએ પોતાના કર્મચારીઓ માટે પૈસા ગણવાની ગેમ રાખી હતી. જેમાં ૫ હજાર કર્મચારીઓએ ભાગ લીધો હતો. આ ગેમમાં કંપનીએ અમુક શરતો પણ રાખી હતી. શરત એ હતી કે જે જેટલા પૈસા ગણી શકશે, એટલા તે ઘરે લઈ જઈ શકશે. હવે કંપની આવી હોય તો કોણ નોકરી ન કરે. સોશિયલ મીડિયા પર આ ગેમની જોરશોરથી ચર્ચા થઈ રહી છે. જે બાદ કંપનીના બોસ પાસે રિઝ્‍યુમની લાઈનો લાગી ગઈ. કહેવાય છે કે, કંપની પોતાના કર્મચારીઓને અત્‍યાર સુધીમાં ૧૦૦ મિલિયન યુઆનનું બોનસ આપી ચૂકી છે.

કર્મચારીઓને જેકપોટ લાગ્‍યો

ચીનનો એક નિયમ છે. અહીં મોટા ભાગની કંપનીઓ નવા વર્ષે પોતાના કર્મચારીઓને બોનસ આપે છે. ત્‍યારે આવા સમયે દરેક કંપની પોતાના કર્મચારીઓને ખુશ કરે છે. આ સૌની વચ્‍ચે એક કંપનીએ તો બાજી મારી લીધી. આ કંપનીએ પોતાના કર્મચારીઓને બોનસ આપવા માટે એક અલગ રીત શોધી. જે કર્મચારીઓને ખૂબ ગમી હતી. આ ઓફરમાં કંપનીએ એક મોટા ટેબલ પર ૧૦૦ યુઆન નોટોનો ઢગલો કર્યો હતો. જે બાદ કંપની કર્મચારીઓને કહે છે કે આવો અને તમારા હાથમાં જેટલા રૂપિયા આવે તેટલા લઈ જાવ. શરત એ હતી કે પહેલા આ રોકડ રકમ ગણવાની, જેના માટે એક નિર્ધારિત સમય આપ્‍યો હતો. ખાસ વાત એ છે કે, તેના માટે સમય લોટરી સિસ્‍ટમથી નક્કી કર્યો હતો.

નોટ ગણવાની આ હરીફાઈ માટે કુલ ૨૦ મની કાઉન્‍ટર લગાવ્‍યા હતા. આ દરમિયાન કોઈને નોટ ગણવામાં ૧ મિનિટ તો કોઈને ૨ મિનિટનો સમય લાગ્‍યો હતો. મોટા ભાગે સમય ૧૫ મિનિટ સુધી નિર્ધારિત કર્યો હતો. તેની સાથે જ અમુક શરતો પણ હતી. તે એ હતી કે એક પણ નોટ ખોટી ગણી તો બોનસમાંથી ૧૦૦૦ યુઆન કાપી લેવામાં આવશે. કહેવાય છે આ હરીફાઈ ચીનના હેનાન પ્રાંતમાં આયોજિત કરવામાં આવી હતી. પોતાના કર્મચારીઓને ખુશ કરનારી કંપનીનું નામ Kuangshan Crane Company છે. આપને જાણીને નવાઈ લાગશે કે આ ખેલમાં જે કર્મચારીને જેકપોટ લાગ્‍યો તેણે ૯૭,૮૦૦ યુઆન સુધી નોટ ગણી હતી, એટલે કે ૧૧,૨૭,૮૩૭ રૂપિયા, આ ખેલ જીત્‍યા બાદ રોકડ રકમને કર્મચારી કોથળામાં ભરીને ઘરે લઈ ગયો.

(10:29 AM IST)