તા. ૩ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૪ શુક્રવાર
News of Wednesday, 29th January 2025
ઓએમજી.....યુનાઇટેડ એરલાઈન્સનું બોઇંગ વિમાન અચાનક હવામાં લડખડાવા માંડતા યાત્રિકોના જીવ અધ્ધર થયા

નવી દિલ્હી: અમેરિકાની યુનાઈટેડ એરલાઈન્સનું નાઈજિરિયાના લાગોસથી વર્જિનિયાના વોશિંગ્ટન ડલેસ જતું વિમાન હવામાં અચાનક ડામાડોળ થવા લાગતા ૨૪૫ પ્રવાસીઓના જીવ અદ્ધર થઈ ગયા હતા. આ દુર્ઘટનામાં ૪૦થી વધુ પ્રવાસીઓને ઈજા થઈ હતી, જેમાં છની હાલત ગંભીર છે. આ દુર્ઘટના પછી વિમાને નાઈજિરિયા પાછા ફરવું પડયું હતું. આ સાથે ૧૧ ક્રૂ સહિત ૨૪૫ પ્રવાસીઓનો ચમત્કારિક બચાવ થયો હતો. બોઈંગ ૭૮૭-૮ ડ્રીમલાઈનરની એક સપ્તાહમાં આવી બીજી દુર્ઘટના છે. એર ઈન્ડિયા પાસે આવા ૨૭ વિમાન છે. ફ્લાઈટરડાર૨૪ ડેટાના અહેવાલ મુજબ અમેરિકાની યુનાઈટેડ એરલાઈન્સની ફ્લાઈટ ૬૧૩ શુક્રવારે નાઈજિરિયાના લાગોસથી વર્જિનિયાના વોશિંગ્ટન ડલેસ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જઈ રહી હતી. નાઈજિરિયાના લાગોસથી રવાના થયેલું વિમાન ઉડ્ડયનની ૯૩ મિનિટ પછી અચાનક જ હવામાં ડામાડોળ થવા લાગ્યું હતું. બોઈંગ ૭૮૭-૮ ડ્રીમલાઈનર વિમાન એર ટર્બ્યુલન્સના કારણે અચાનક ડામાડોળ થવા લાગતા ભારે અફરા-તફરી મચી ગઈ હતી. ખાવાની વસ્તુઓ આમ-તેમ ફેંકાઈ હતી. પ્રવાસીઓ એકબીજા સાથે અથડાયા હતા, જેને પગલે બધા જ ૨૪૫ પ્રવાસી અને ૧૧ ક્રૂના જીવ અદ્ધર થઈ ગયા હતા. વિમાનમાં આ અફરા-તફરીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે વિમાનમાં ખાવાનો અને લગેજનો સામાન વિખરાયેલો પડયો હતો. વીડિયોમાં પ્રવાસીઓને બૂમો પાડતા જોઈ શકાયા હતા. આ દુર્ઘટનાના કારણે ફ્લાઈટ ૬૧૩નું લાગોસ એરપોર્ટ પર ઈમર્જન્સી લેન્ડિંગ કરાવાયું હતું. આ દુર્ઘટનામાં ૪૦ પ્રવાસીઓને સામાન્ય ઈજા થઈ હતી જ્યારે છ ગંભીર રીતે ઘાયલ પ્રવાસીઓને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. એરપોર્ટ પર એક પ્રવાસીએ ઉતરાણ પહેલાંની ભયાનક ક્ષણોને યાદ કરતા કહ્યું કે, અમને પહેલાં ભોજન પીરસાઈ ગયું હતું. અચાનક વિમાનમાં દબાણ ઘટી ગયું અને તે નીચે પડવા લાગ્યું. વિમાન ત્રણ વખત અચાનક નીચે પડવા લાગ્યું હતું. આ દુર્ઘટનાના કારણે મને માથામાં ઈજા થઈ હતી. જોકે, વિમાનનું એરપોર્ટ પર સલામત ઉતરાણ કરાયું હતું.
(5:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
