News of Thursday, 23rd January 2025
થાઈલેન્ડમાં સમલૈંગિક લગ્નના કાયદાને મળી મંજૂરી

નવી દિલ્હી: ભારતીયોના ફેવરિટ ટ્રાવેલ ડેસ્ટિનેશન વાળા દેશ થઈલેન્ડમાં સમલૈંગિક લગ્નને કાયદાકીય માન્યતા મળી ગઈ છે. આ અંગે દેશમાં એક કાયદો પણ બનાવવામાં આવ્યો છે, જે આજથી એટલે કે ગુરુવાર (23 જાન્યુઆરી, 2025) થી અમલમાં આવ્યો છે. આ સાથે જ થાઈલેન્ડ દક્ષિણ પૂર્વ એશિયાનો પ્રથમ દેશ અને સમગ્ર એશિયામાં ત્રીજો દેશ બન્યો છે જેણે સમલૈંગિક લગ્નને કાયદાકીય માન્યતા આપી છે. તમને જણાવી દઈએ કે, અગાઉ એશિયામાં નેપાળ અને તાઈવાન સમલૈંગિક લગ્નને માન્યતા આપી ચૂક્યા છે અને હવે થાઈલેન્ડમાં પણ 'મેરેજ ઈક્વાલિટી એક્ટ'ને કાયદાકીય માન્યતા મળી ચૂકી છે. દેશમાં આજથી સમલૈંગિક લગ્ન અમલમાં આવી ગયા છે અને કાયદાના અમલીકરણના પહેલા જ દિવસે 300 LGBTQ+ નવયુગલે પ્રભુતામાં પગલાં માંડ્યા છે. થાઈલેન્ડમાં આજથી LGBTQ+ સમુદાયના લોકોને સમલૈંગિક લગ્ન કરવાનો કાનૂની દરજ્જો મળી ગયો છે. નોંધનીય છે કે, લગભગ 20 વર્ષથી થાઈલેન્ડમાં LGBTQ+ સમુદાય સમલૈંગિક લગ્નને કાયદાકીય માન્યતા આપવાની માગ કરી રહ્યો હતો. જેને હવે માન્યતા મળી ગઈ છે. હવે થાઈલેન્ડમાં 18 વર્ષ કે તેથી વધુ ઉંમરની કોઈપણ વ્યક્તિ સમલૈંગિક લગ્ન કરી શકે છે. થાઈલેન્ડની રાજધાની બેંગકોકના એક શોપિંગ મોલમાં આજે એક ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં લગભગ 300 યુગલોએ સમલૈંગિક લગ્ન માટે પોતાની ઔપચારિકતાઓ પૂર્ણ કરી. લગ્ન બાદ યુગલોને તમામ અધિકારો આપવામાં આવશે. થાઈલેન્ડની સંસદના બંને ગૃહ દ્વારા મેરેજ ઈક્વાલિટી એક્ટ પસાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત થાઈલેન્ડની સંસદે સિવિલ અને કોમર્શિયલ કોડમાં સુધારો પણ કર્યો છે.
(5:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
