તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 6th November 2024
અઢાર વર્ષથી નાની વયના યુઝરની પ્રાઈવસીની જવાબદારી ઇન્સ્ટાગ્રામે ઉપાડી

નવી દિલ્હી: મેટા હાલમાં એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટૂલ બનાવી રહી છે. એની મદદથી ઇન્સ્ટાગ્રામના યુઝરની ઉંમર નાની છે કે મોટી એ શોધવામાં આવશે. ઇન્સ્ટાગ્રામ તેના યુઝરની પ્રાઇવસીને લઈને હવે ખૂબ જ સચેત થઈ ગયું છે. અઢાર વર્ષથી નાની ઉંમરની વ્યક્તિ તેમની પ્રાઇવસી વિશે જાગૃત નથી હોતી, એથી ઇન્સ્ટાગ્રામ દ્વારા તેમની જવાબદારી પોતે લેવામાં આવી રહી છે. ઇન્સ્ટાગ્રામનું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટૂલ બે કેટેગરીમાં યુઝર્સનું વિભાજન કરશે. પહેલી કેટેગરીમાં અઢાર વર્ષથી ઉપરના યુઝર્સ અને બીજી કેટેગરીમાં અઢાર વર્ષથી નીચેના યુઝર્સનો સમાવેશ કરવામાં આવશે. અઢાર વર્ષથી નાની ઉંમરના યુઝર્સની પ્રોફાઇલમાં ઇન્સ્ટાગ્રામ દ્વારા તમામ પ્રાઇવસી સેટિંગ્સ ઓટોમેટિક લગાવી દેવામાં આવશે. આ માટે યુઝર્સને કોઈ વિકલ્પ આપવામાં નહીં આવે. અઢાર વર્ષથી ઉપરની વ્યક્તિ તેમના પ્રાઇવસી સેટિંગ્સને તેમની મરજી મુજબ ઉપયોગ કરી શકશે. આ ટૂલ એક વાર લોન્ચ કરવામાં આવ્યું ત્યાર બાદ તે યુઝર્સના એકાઉન્ટ ડેટાને એનલાઇઝ કરશે. યુઝર્સ કઈ ઉંમરના છે, તેમ જ યુઝર્સની પ્રોફાઇલ, ફોલોઅર્સ અને તે કેવા કન્ટેન્ટ સાથે ઇન્ટરૅકશન કરે છે દરેક વસ્તુ જોવામાં આવશે. આ સાથે જ હેપી બર્થડેની પોસ્ટ કરવામાં આવી હોય તો એને પણ એનાલાઇઝ કરવામાં આવશે અને એના પરથી ઉંમરનો અંદાજો લગાવવામાં આવશે. જો કે એ કેટલું સાચું સાબિત થશે એ વિશે હજી સુધી કોઈ માહિતી નથી. AI ટૂલમાં ખબર પડી કે યુઝરની ઉંમર અઢાર વર્ષથી ઓછી છે તો એને સીધું 'ટીન એકાઉન્ટ' તરીકે જાહેર કરવામાં આવશે. યુઝરે પોતાની ઉંમર પ્રોફાઇલમાં ગમે એટલા વર્ષ લખ્યા હોય તો પણ એ એકાઉન્ટને ટીન એકાઉન્ટમાં રાખવામાં આવશે. ટીન એકાઉન્ટમાં ખૂબ જ સખત પ્રાઇવસી સેટિંગ્સ છે જેને સપ્ટેમ્બરમાં લોન્ચ કરવામાં આવ્યા હતા. ઇન્સ્ટાગ્રામ દ્વારા આ ટૂલને આગામી વર્ષની શરૂઆતમાં લોન્ચ કરવામાં આવી શકે છે.
(6:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
