<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th September 2024

અમેરિકાએ આ કારણોસર ચીન પર કરી રહ્યું છે પ્રતિબંધની તૈયારી

નવી દિલ્હી: તાજેતરમાં ઈઝરાયેલ દ્વારા લેબેનોનમાં જે પ્રકારે સિલસિલાબંધ પેજર બ્લાસ્ટ અને વોકી-ટોકી બ્લાસ્ટ કરવામાં આવ્યા, એ જોઈને સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચી ગયો છે. ઈલેક્ટ્રોનિક ઉપકરણો દ્વારા જાસૂસીનું કામ થઈ શકે છે, એ તો વર્ષોથી જાણીતી બાબત છે, પરંતુ ઇલેક્ટ્રોનિક ઉપકરણો વડે બોમ્બ ધડાકા કરીને જાનમાલની ખુવારી પણ કરી શકાય છે, એ દુનિયાએ પહેલીવાર જાણ્યું. લેબેનીઝ જૂથ હિઝબુલ્લાહના લડવૈયાઓને નિશાન બનાવીને કરાયેલા હુમલાઓમાં ડઝનેક લોકો માર્યા ગયા હતા અને હજારો ઘાયલ થયા હતા. ટેક્નોલોજીનો આવો ખતરનાક અને લોહીયાળ ઉપયોગ જોઈને અમેરિકા પણ ફફડી ગયું છે. વોકીટોકી અને પેજર જેવા નાનનડા ડિવાઇસ વડે આટલી હદે બોમ્બ ધડાકા કરી શકાતા હોય તો પછી મોટા વાહનો વડે તો કેટલી હદે તારાજી સર્જી શકાય? વિદેશથી આયાત થતા વાહનોમાં સલામતીનો શો ભરોસો? બસ, આવા જ વિચારે અમેરિકા ફફડી ગયું છે, કેમ કે અમેરિકા પોતાના કટ્ટર સ્પર્ધક ચીન પાસેથી લાખોની સંખ્યામાં વાહનો ખરીદે છે. ન કરે નારાયણ ને ચીન-અમેરિકા વચ્ચે કોઈ મુદ્દે અંટસ પડી ને ચીનથી આયાત કરેલા વાહનોમાંય લેબેનોનમાં થયું એમ બોમ્બ ધડાકા થયા તો? બોમ્બ ધડાકો ન સહી ચીને કારમાં લગાડેલ સોફ્ટવેર જ કરપ્ટ કરી નાંખ્યા તો? વાહનો ચાલકોના કાબૂમાં ન રહે અને અકસ્માત પર અકસ્માત… અમેરિકાનો આવો ડર વાજબી છે. દેશમાં ચાલતા આયાતી વાહનોમાં ચાઇનીઝ સોફ્ટવેર અને હાર્ડવેર પર પ્રતિબંધ મૂકવાનું અમેરિકા વિચારી રહ્યું છે. અમેરિકન રસ્તાઓ પર દોડતા લગભગ તમામ વાહનોમાં ઓનબોર્ડ નેટવર્ક હાર્ડવેર હોય છે જે ઇન્ટરનેટ ઍક્સેસ પ્રદાન કરે છે. એની મદદથી વાહનની અંદર અને બહાર બંને રીતે ઉપકરણ સાથે ડેટા શેર કરી શકાય છે. ચીનની ઓટો અને ટેક કંપનીઓ યુએસમાં વાહનોનું પરીક્ષણ કરતી વખતે સંવેદનશીલ ડેટા એકત્રિત કરી લે અને ભવિષ્યમાં એનો ઉપયોગ અન્ય કામ માટે કરે, એવી શક્યતા ખરી. એ જ કારણસર ફેબ્રુઆરીમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને ચીન પાસેથી ખરીદેલા વાહનોના સુરક્ષા જોખમોની તપાસનો આદેશ આપ્યો હતો.

 

(7:09 PM IST)