<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th August 2024

જાપાનમાં વાવાઝોડાના કારણોસર 17હજારથી વધુ ઘર ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો

નવી દિલ્હી: જાપાનમાં વાવાઝોડું એમ્પિલના ખતરાને ધ્યાને રાખી ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ટોક્યોના દરિયા કિનારા પાસે રહેતા લોકોને તુરંત ઘરો ખાલી કરવાના નિર્દેશ જાહેર કરાયા છે. આ ઉપરાંત અહીં રેલવે અને વિમાન સેવાઓ પણ રદ કરવામાં આવી છે. હાલ વાવાઝોડું ટોક્યોના દરિયા કિનારે પહોંચ્યું છે, જેને ધ્યાને રાખી સંયુક્ત વાવાઝોડા ચેતવણી કેન્દ્ર (JTWC) દ્વારા ઍલર્ટ જાહેર કર્યું છે. જેટીડબલ્યુસીના જણાવ્યા મુજબ વાવાઝોડું એમ્પિલ શક્તિશાળી બની ગયું છે અને તે ટોક્યોના દરિયા કિનારે પહોંચી ગયું છે. વાવાઝોડું આગામી 12 કલાકમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે. જ્યારે વાવાઝોડું જાપાન પાસેથી પસાર થશે, ત્યારે તેની મોટી અસર થવાની પણ સંભાવના છે. ઈસુમીના દરિયાકાંઠાના વિસ્તારોના અધિકારીઓએ વાવાઝોડાને ધ્યાનમાં રાખી લગભગ 17000 ઘરો ખાલી કરવાની નોટિસ જાહેર કરી છે. આ સાથે તેમણે વૃદ્ધો અને દિવ્યાંગોની સુરક્ષા કરવા માટે તેમની શોધખોળ કરવાની શરુઆત કરી દીધી છે. આ વિસ્તારમાં આજે મોડી રાત સુધીમાં વાવાઝોડું ત્રાટકવાની પણ સંભાવના વ્યક્ત કરાઈ છે. આ દરમિયાન ભારે પવન ફુંકાવાની સાથે મુશળધાર વરસાદ પણ પડી શકે છે. યોકોહામા શહેરમાં પણ લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા માટે આદેશ જારી કરવામાં આવ્યો છે. આજે સવારે દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો અને ભારે પવનના કારણે હજારો ઘરોની વીજળી પણ ગુલ થઈ ગઈ હતી. વાવાઝોડા અંગેની નોટિસ મળ્યા બાદ રેલવે અને એરલાઇન્સની સેવાઓ પણ બંધ કરી દેવાઈ છે. દેશની બે મુખ્ય એરલાઇન્સ જાપાન એરલાઇન્સ અને ઑલ નિપ્પૉન એરલાઇન્સે 500થી વધુ ફ્લાઇટો રદ કરી દીધી છે. આ ઉપરાંત છ બુલેટ રેલવે સેવાઓ પણ બંધ કરવામાં આવી છે.

 

(6:46 PM IST)