<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th August 2024

ચોમાસામાં ત્વચાની અને વાળની સંભાળ આ રીતે રાખવી જોઈએ

નવી દિલ્હી: ચોમાસું બેસતાં જ ઉનાળાની કાળઝાળ ગરમીમાંથી અને અલ્ટ્રાવાયોલેટ કિરણોને લીધે ત્વચાને થતાં નુકસાનમાંથી રાહત મળે છે. પણ વર્ષા ઋતુમાં ચામડી જુદી જાતની સારસંભાળ માગે છે. આ સિઝનમાં ચહેરા પર મેકઅપ નથી ટકતો.  ત્વચાની કુદરતી ચમકમાં પણ ઘટાડો થાય છે. તેવી જ રીતે માથા અને વાળની પણ વિશેષ દેખભાળ કરવી પડે છે. ઝડપથી બદલાતું જતું હવામાન, વાતાવરણમાં રહેલું ભેજનું ઊંચુ પ્રમાણ અને સર્વત્ર પાણી પાણી. આવી  પરિસ્થિતિમાંમ સ્વાભાવિક રીતે જ ત્વચાની વધારાની કાળજી જરૂરી બની જાય છે. ચોમાસામાં પણ ચામડીને ચમકદાર અને સ્વસ્થ રાખવાના આ રહ્યા કેટલાંક સરળ ઉપાયો. સામાન્ય રીતે સુકી ચામડી ધરાવતી માનુનીની ત્વચા પણ વર્ષા ઋતુ દરમિયાન થોડી તૈલીય થઈ જાય છે. આવી સ્થિતિમાં જેની ચામડી મૂળભૂત રીતે જ તૈલી અથવા કોમ્બિનેશન હોય તેને વિશેષ કાળજીની જરૂર રહે છે. આ સિઝનમાં ત્વચાને નરમ-મુલાયમ અને ચમકદાર બનાવવા માટેના ફેસ માસ્ક ઘરે જ બનાવી શકાય છે. એક પાકેલું ટામેટું, એક ટી સ્પૂન લીંબુનો રસ, એક ટી સ્પૂન ઓટ અથવા ઘઉંના લોટ લઈ બધું સારી રીતે મિક્સ કરો. બ્લેન્ડર દ્વારા એકરસ કર્યા પછી આ મિશ્રણને ચહેરા પર લગાવી વીસ મિનિટ રહેવા દો. ત્યારબાદ પુષ્કળ પ્રમાણમાં નવશેક પાણી નાખી ચહેરો ધોઈ લો. આ પેસ્ટ દરેક પ્રકારની ત્વચા માટે યોગ્ય રહેશે. આ મિશ્રણથી  ચામડી પર પડેલી કરચલી દૂર થાય છે અને ત્વચા મુલાયમ બને છે. વળી તેનાથી ચામડીની કુદરતી ચમક પાછી મળે છે.

તેવી જ રીતે એક સંતરુ અને ચાર ટેબલસ્પૂન ઘઉંનો લોટ લો. એક બાઉલમાં સંતરાનો રસ અને પલ્પ નાખી, તેમાં ઘઉંનો લોટ ઉમેરીને સારી રીતે ભેળવો. ત્યાર પછી ચહેરો ધોઈને આ સ્ક્રબ લગાવો. થોડીવાર પછી આ સ્ક્રબને બેથી ત્રણ મિનિટ માટે હળવે હાથે ઘસો. ત્યારબાદ ઠંડા પાણી વડે ચહેરો ધોઈ નાખો. ચહેરો સાફ થઈ ગયા પછી તેની ઉપર ગુલાબજળનો છંટકાવ કરો. છેવટે ક્રીમવાળું બોડી લોશન લગાવો.

વરસાદના દિવસોે દરમિયાન સામાન્ય રીતે વાળ ઝડપથી ખરાબ થાય છે. તેમાં વળી હવામાનમાં રહેલા ભેજને લીધે માથું તૈલીય થઈ જાય છે. પરંતુ જો તમારા વાળ અત્યંત સુકા હોય તો વાળ ધોયા પછી કંડિશનર લગાવવાનું ન ભૂલો. ભેજવાળી આબોહવાને લીધે ખરબચડા થયેલા વાળમાં ખોડો થવાની શ્કયતા વધી જતી હોવાથી વાળમાં વધુ તેલ ન લગાવો. જો લગાવો તો પણ તેલને નવશેકું ગરમ  કરીને લગાવો. વાળ ધોયા પછી ડ્રાયર વડે કુલેસ્ટ સેટીંગ પર મુકીને સુકવો.

ત્વચાની નિયમિત સફાઈ કરવા માટે વપરાતા ક્લિન્ઝીંગ મિલ્કને સ્થાને ખૂબ ફીણ થાય એવા ફેસ વોશ વડે, દિવસમાં બે વખત ચહેરો ધુઓ. તેવી જ રીતે ચામડીને તરોતાજા રાખવા માટે ગુલાબ જળ અથવા આલ્કોહોલરહિત  ટોનર ઉપયોગમાં લો. આ દિવસોમાં તૈલીય ત્વચામાં થતાં ખીલમાંથી પાણી સુકાઈ જાય  ત્યારે ચામડી બહુ ખરાબ લાગે છે. આવી સ્થિતિમાં વોટરબેઝ્ડ, હળવું અને એસપીએફ ધરાવતું  મોઈશ્ચરાઈઝર લગાવો. ચોમાસામાં પણ એસપીએફ ધરાવતું લોશન લગાવવાનું કારણ એ છે કે આ સમયમાંમ પણ સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોે આપણી ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

(5:35 PM IST)