<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 31st July 2024

દુનિયાનો સૌથી દિલદાર પતિઃ પત્‍નીને બહાર ભણવા મોકલી, તો સાથે બોયફ્રેન્‍ડ લેતી આવી, ત્રણેય એક સાથે રહેવા લાગ્‍યા

ટોકયો,તા. ૩૧: આપણી આજુબાજુમાં એવા કેટલાય કિસ્‍સા સાંભળવા મળતા હોય છે, જયાં પતિ-પત્‍નીની વચ્‍ચે કોઈ ત્રીજો આવીને હોબાળો મચાવી દે છે. ઘણી વાર પતિ, પત્‍નીની બેવફાઈ પર કંઈ પણ કરવા તૈયાર થઈ જાય છે. આમ તો પતિ-પત્‍ની વચ્‍ચે કોઈ ત્રીજાને સહન કરવો મુશ્‍કેલ થઈ પડે છે. પણ આ દરમ્‍યાન એક જાપાની શેફ અને બ્‍લોગર, પ્રિન્‍સ સોયે પોતાની જિંદગીની સત્‍ય હકીકત સૌની સામે લાવીને મુકી દીધી છે, જેને લઈને સૌ કોઈ ચોંકી ગયા છે.

પ્રિન્‍સ સોયે વીડિયો બનાવીને દુનિયાની સામે પોતાની કહાની રજૂ કરી છે. પોતાના બ્‍લોગમાં જણાવ્‍યું કે, તેની પત્‍ની સિયરા અભ્‍યાસ માટે એક વર્ષ પહેલા ઓસ્‍ટ્રેલિયા ગઈ હતી, ત્‍યાં અભ્‍યાસ દરમ્‍યાન તેને એક દોસ્‍ત થયો, બાદમાં તે તેનો બોયફ્રેન્‍ડ બની ગયો. ઓસ્‍ટ્રેલિયામાં રહેતા સિયરા અને તેના પ્રેમી વચ્‍ચે અફેર શરુ થઈ ગયું. પણ ત્‍યારે એક વર્ષનો કોર્સ ખતમ થયા બાદ સિયરા પાછા જાપાન આવી તો, તે પોતાના બોયફ્રેન્‍ડને પણ સાથે લેતી આવી.

આ અસામાન્‍ય સ્‍થિતિનો સ્‍વીકાર કરતા પ્રિન્‍સ સોયે ન ફક્‍ત પોતાની પત્‍નીના બોયફ્રેન્‍ડને ઘરે રહેવાની પરવાનગી આપી, સોયે જણાવ્‍યું કે, તે અને તેની પત્‍ની એક જ બેડરુમમાં સુવે છે. જયારે તેનો બોયફ્રેન્‍ડ સોફા પર સુવે છે. એક વાર જયારે તેમના વચ્‍ચે ઝઘડો થયો તો, પતિએ પત્‍ની અને બોયફ્રેન્‍ડ વચ્‍ચે સમાધાન પણ કરાવ્‍યું હતું.

પોતાના બ્‍લોગમાં પ્રિન્‍સ સોય જણાવે છે કે, અમે ત્રણેય એક જ ઘરમાં એક સાથે રહીએ છીએ. મારા પત્‍નીનો પ્રેમી લગભગ એક અઠવાડીયામાં અમારા ઘરમાં રહે છે. ત્રણેય પતિ, પત્‍ની અને બોયફ્રેન્‍ડ એક સાથે મળીને ઘરના બધા કામ કરે છે. લગભગ અઠવાડીયાથી સાથે રહ્યા બાદ પ્રેમી હવે ઘરે જતો રહ્યો. પણ આ કપલ હજુ પણ તેની વાતો યાદ કરે છે. ક્‍યારેક ક્‍યારેક વીડિયો કોલ કરીને પણ તેના હાલચાલ પૂછે છે.

પ્રિન્‍સ સોયે બ્‍લોગ પર લખ્‍યું કે, હું તેના બોયફ્રેન્‍ડનો દિલથી આભાર વ્‍યક્‍ત કરુ છું, જેણે મારી પત્‍નીને તે સમયે સાથ આપ્‍યો, જયારે તે વિદેશમાં મુશ્‍કેલ સમયમાંથી પસાર થઈ રહી હતી. તે ચોક્કસપણે રસપ્રદ વ્‍યક્‍તિ હશે, નહીંતર મારી પત્‍ની તેને પ્રેમ કરે જ નહીં.

(9:50 AM IST)