<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th June 2024

સાઉદીએ અમેરિકા સાથે પેટ્રોડોલર કરાર ખતમ કર્યો હોવાની માહિતી

નવી દિલ્હી: સાઉદી અરબ છેલ્લા કેટલાક વર્ષોમાં અમેરિકા તરફથી ખસીને ચીન તરફ ઢળી રહ્યું છે. આવા સમયે સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ અને વડાપ્રધાન મોહમ્મદ બિન સલમાને અમેરિકા સાથેનો દાયકાઓ જૂનો પેટ્રો ડોલર કરાર ખતમ કરીને 'અંકલ સેમ'ને મોટો ફટકો આપ્યો છે. સાઉદી અરબના આ નિર્ણયથી આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના વેપાર માટે બેઝ કરન્સી તરીકે યુએસ ડોલરનું સ્થાન બદલાતા વૈશ્વિક અર્થતંત્ર પર લાંબાગાળાની અસરો સર્જશે. વૈશ્વિક નાણાંકીય વ્યવહારમાં અત્યંત મહત્વની ભૂમિકા ભજવતો સાઉદી અરબ અને અમેરિકા વચ્ચેનો પેટ્રોડોલર કરાર ૮ જૂને ૨૦૨૪ના રોજ પૂરો થયા પછી સાઉદી અરબે તેને રીન્યુ કરવાનો ઈન્કાર કરી દીધો છે. સાઉદી અરબના આ પગલાંથી હવે દુનિયામાં માત્ર અમેરિકન ડોલરમાં થતા ક્રૂડ ઓઈલના સોદા હવે યુઆન, રુબલ, રૂપિયા, યેન જેવા વિવિધ દેશોના ચલણોમાં થઈ શકશે. અમેરિકા અને સાઉદી અરબ વચ્ચે વર્ષ ૧૯૭૪ની ૮ જૂને પેટ્રો-ડોલર કરાર થયો હતો. આ કરાર વૈશ્વિક નાણાકીય વ્યવહારોમાં અમેરિકાના પ્રભુત્વનો એક મહત્વપૂર્ણ ભાગ હતો. આ કરાર હેઠળ સાઉદી અરબ ક્રૂડ ઓઈલની નિકાસ વિશેષરૂપે યુએસ ડોલરમાં કરવા અને ક્રૂડની આવકમાંથી થતા ફાજલ નાણાંનું યુએસ ટ્રેઝરી બોન્ડમાં રોકાણ કરવા સંમત થયું હતું. બદલામાં અમેરિકાએ સાઉદી અરબને તમામ પ્રકારની સૈન્ય સુરક્ષા અને આર્થિક વિકાસમાં સહાયની ખાતરી આપી હતી. આ કરાર હેઠળ દુનિયામાં સૌથી વધુ ક્રૂડ ઓઈલનું ઉત્પાદન કરનાર સાઉદી અરબ માત્ર ડોલરના ચલણમાં જ ક્રૂડનું વેચાણ કરતું હતું, જેના કારણે વૈશ્વિક નાણાકીય વ્યવહારોમાં ડોલરનું પ્રભુત્વ વધ્યું હતું.

 

(5:48 PM IST)