તા. ૪ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૫ ગુરૂવાર
News of Tuesday, 15th September 2026
બાળકો સામેની હિંસા, શોષણ અને ઉપેક્ષા સામે 'ઝીરો ટોલરન્સ' : રાજ્ય સરકારે જાહેર કરી ‘ગુજરાત રાજ્ય બાળ સંરક્ષણ નીતિ-૨૦૨૬’
શાળા, હોસ્પિટલ અને ડિજિટલ સ્પેસ સુધી સુરક્ષા કવચ વિસ્તારાશે : દરેક વિભાગ માટે વાર્ષિક પ્લાન ફરજિયાત અને મુખ્ય સચિવની અધ્યક્ષતામાં થશે વાર્ષિક સમીક્ષા

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર : ગુજરાતના બાળકોને સુરક્ષિત, ગૌરવપૂર્ણ અને અધિકારસભર બાળપણ પૂરું પાડવાના ઉદ્દેશથી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે એક ઐતિહાસિક અને સંવેદનશીલ નિર્ણય લઈને ‘ગુજરાત રાજ્ય બાળ સંરક્ષણ નીતિ-૨૦૨૬’ ની સત્તાવાર જાહેરાત કરી છે. સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા તેમજ રાજ્ય મંત્રી ડૉ. મનીષા વકીલની ઉપસ્થિતિમાં જાહેર કરાયેલી આ નીતિનો મુખ્ય ધ્યેય રાજ્યમાં હિંસા, શોષણ, દુર્વ્યવહાર, ઉપેક્ષા અને ભેદભાવથી મુક્ત વાતાવરણ ઊભું કરવાનો છે. સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા પ્રસિદ્ધ રાજપત્ર (ગૅઝેટ) ની તારીખથી આ નીતિ સમગ્ર રાજ્યમાં અમલી બની ગઈ છે.
આ નીતિ ઘડતી વખતે સરકાર દ્વારા મળેલા વાંધા-સૂચનો ધ્યાને લેવાયા છે. સાથોસાથ પોક્સો (POCSO) નિયમો, જુવેનાઈલ જસ્ટિસ અધિનિયમ, બાળલગ્ન પ્રતિબંધ કાયદો, બાળમજૂરી વિરોધી કાયદા, શાળા સલામતી માર્ગદર્શિકા અને રાષ્ટ્રીય બાળ નીતિ સહિતના કાયદાકીય માળખાઓનો ઊંડો અભ્યાસ કરવામાં આવ્યો છે.
દરેક બાળક માટે ભેદભાવરહિત સુરક્ષા:
નવી નીતિ હેઠળ ધર્મ, જાતિ, લિંગ, સામાજિક-આર્થિક સ્થિતિ, રાજકીય કે સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિ અને ભૌગોલિક વિસ્તારના આધારે કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના તમામ બાળકોને સમાન સંરક્ષણ મળશે. આ નીતિમાં કાયદા સાથે સંઘર્ષમાં આવેલા બાળકો, દિવ્યાંગો, અનાથો, સ્થળાંતરિતો, શેરીમાં રહેતા બાળકો, માનવ તસ્કરીથી પ્રભાવિતો તેમજ ટ્રાન્સજેન્ડર, આંતરલિંગી, HIV/AIDS અથવા ગંભીર બીમારી ધરાવતા અને કુદરતી આફતગ્રસ્ત બાળકોને વિશેષ પ્રાથમિકતા અપાઈ છે.
સંકલિત સામાજિક જવાબદારી:
બાળ સુરક્ષાને હવે માત્ર સરકારી વિભાગો પૂરતી મર્યાદિત ન રાખતાં સ્થાનિક સંસ્થાઓ, એનજીઓ, નાગરિક સમાજ, કોર્પોરેટ ગૃહો, ઉદ્યોગો, મીડિયા અને ધાર્મિક સંસ્થાઓની સંયુક્ત જવાબદારી ગણવામાં આવી છે. બાળકો જ્યાં રહે છે, ભણે છે કે સારવાર મેળવે છે તે તમામ સ્થળોને ‘બાળ-સુરક્ષિત’ બનાવવામાં આવશે.
ડિજિટલ સુરક્ષા અને સ્ટાફ વેરિફિકેશન:
સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટના ઉપયોગ સાથે જોડાયેલા સાયબર જોખમો સામે રક્ષણ આપવા ડિજિટલ સુરક્ષા મજબૂત કરાશે. બાળકો સાથે સીધો સંપર્ક ધરાવતી સંસ્થાઓમાં ફરજ બજાવતા કર્મચારીઓ, સ્વયંસેવકો અને કરાર આધારિત સ્ટાફનું કડક બેકગ્રાઉન્ડ વેરિફિકેશન તથા પોલીસ વેરિફિકેશન ફરજિયાત કરાયું છે. ઉપરાંત, ૫૦ કે તેથી વધુ કર્મચારીઓ ધરાવતી સંસ્થાઓમાં બાળકો માટે ક્રેચ અથવા મોબાઇલ ક્રેચની સુવિધા ઊભી કરવી પડશે.
માહિતી આપનારની ઓળખ ગુપ્ત રખાશે:
કોઈપણ બાળક સાથે દુર્વ્યવહાર, જાતીય શોષણ, બાળલગ્ન કે બાળમજૂરીની શંકા જાય તો ચાઇલ્ડ હેલ્પલાઇન ૧૦૯૮/૧૧૨, પોલીસ કે બાળ કલ્યાણ સમિતિને જાણ કરવાની રહેશે, જેમાં માહિતી આપનારની ઓળખ ગુપ્ત રખાશે. ઘટનાની જાણ હોવા છતાં પગલાં ન લેનાર સંસ્થાઓ કે વ્યક્તિઓ સામે કડક શિસ્તભંગ અને કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
અમલીકરણ માળખું અને સમીક્ષા:
સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ નોડલ એજન્સી તરીકે કામ કરશે. દરેક સરકારી વિભાગે પોતાની વાર્ષિક અમલીકરણ યોજના બનાવવી પડશે અને જાહેરનામાના એક વર્ષમાં કાર્યકારી માર્ગદર્શિકા બહાર પાડવાની રહેશે. ગુજરાત રાજ્ય બાળ સંરક્ષણ સોસાયટી આ નીતિના અમલ પર સતત દેખરેખ રાખશે, જ્યારે રાજ્યના મુખ્ય સચિવ દર વર્ષે આ નીતિની વાર્ષિક સમીક્ષા કરશે.
(10:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
